ભારતે પરિવારને સહાયની ખાતરી આપી : એક મહિનામાં સજાનો અમલ કરવામાં આવે એવી શક્યતા
નિમિષા પ્રિયા
વર્ષ ૨૦૧૭માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા કેસમાં કેરલાની નર્સ નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી અને યમનના પ્રેસિડન્ટ રશાદ અલ અમિનીએ પણ મંજૂરી આપી દીધી છે. આગામી એક મહિનામાં તેની સજાનો અમલ કરવામાં આવે એવી શક્યતા છે. આ મુદ્દે ભારત સરકારે નર્સના પરિવારને ખાતરી આપી છે કે તેઓ સઘળી મદદ કરશે. ૨૦૧૭થી નિમિષાને યમનની જેલમાં રાખવામાં આવી છે. આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તમામ વિકલ્પો વિશે વિચારવામાં આવી રહ્યું છે.
૨૦૧૭માં યમનની કોર્ટે તેને ફાંસીની સજા ફરમાવી હતી. તેણે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીને ૨૦૨૩માં ફગાવી દેવામાં આવી હતી અને પ્રેસિડન્ટે પણ મંજૂરી આપી દેતાં તેને સજા આપવામાં આવશે. જોકે મૃતકના પરિવારજનો તેને માફી આપે તો તેને છોડી શકાય છે. બ્લડ-મની આપીને પણ છૂટી શકાય છે. આ માટે મહદીના પરિવાર સાથે વાટાઘાટો કરવામાં આવશે.
ADVERTISEMENT
કોણ છે નિમિષા પ્રિયા?
નિમિષા પ્રિયા નર્સ છે અને ૨૦૧૧માં યમન ગઈ હતી. થોડા સમય બાદ તેણે મહદી સાથે રાજધાની સનામાં પાર્ટનરશિપમાં ક્લિનિક ખોલ્યું હતું. યમનમાં સ્થાનિક પાર્ટનર હોવો નિયમ છે. નિમિષાએ આરોપ લગાવ્યો હતો કે તેના પાર્ટનરે તેને વર્ષો સુધી હેરાન કરી હતી અને બોગસ દસ્તાવેજો દ્વારા એ નિમિષાનો પતિ હોવાનો દાવો કરતો હતો. તેણે નિમિષા પાસેથી નાણાં પણ પડાવ્યાં હતાં અને પાસપોર્ટ પણ લઈ લીધો હતો. મહદીએ આ મુદ્દે પોલીસ-ફરિયાદ કરતાં નિમિષાની ધરપકડ કરવામાં આવી હતી અને ૬ દિવસ જેલમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેની યાતનામાં વધારો થયો હતો. ૨૦૧૭ના જુલાઈ મહિનામાં મહદી પાસેથી પાસપોર્ટ મેળવવા માટે તેણે તેને સેડેટિવ ધરાવતું ઇન્જેક્શન આપ્યું હતું. નિમિષાને એમ હતું કે મહદી બેહોશ થશે એટલે તે પાસપોર્ટ લઈને ભાગી શકશે, પણ ડોઝ વધારે થવાથી મહદીનું મૃત્યુ થયું હતું અને તેને મર્ડરના કેસમાં પકડવામાં આવી હતી.