કેરલાના મલ્લીપુરમમાં રવિવારે સાંજે ક્ષમતા કરતાં વધારે મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી જતાં ૨૨ લોકોનાં મૃત્યુ, પાંચ જણ તરીને કિનારે આવ્યા
બોટમાં સવાર મુસાફરોને બચાવવા રવિવારે મોડી રાત સુધી બચાવકાર્ય ચાલ્યું હતું. તસવીર પી.ટી.આઇ.
કેરલાના થુવલથીરમ ટૂરિસ્ટ સ્પૉટ પર પુરાપુઝા નદીમાં રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે એક બોટ ડૂબી જવાને કારણે ૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે. આ બોટમાં કુલ ૩૭ મુસાફરો સવાર હતા. પાંચ લોકો તરીને કિનારે પહોંચી ગયા હતા. બોટનો માલિક ફરાર છે તેમ જ ડ્રાઇવર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાંજે છેલ્લી ટ્રિપના નામે લોકોને લલચાવવામાં આવ્યા હતા. બોટ કિનારાથી ઊપડી ત્યારે પણ એક તરફ ઝૂકી ગઈ હતી, પરંતુ કિનારા પર ઊભેલા લોકોએ આપેલી ચેતવણીને અવગણીને બોટ નદીમાં આગળ વધી ગઈ હતી. માલિક નાસર તનુરનો રહેવાસી છે. તેણે માછીમારી માટે વપરાતી એક બોટને ટૂરિસ્ટ બોટમાં પરિવર્તિત કરી હતી તેમ જ ટૂરિસ્ટ બોટ માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવ્યું નહોતું. એનડીઆરએફની ટીમે ગઈ કાલે સવારે ૬ વાગ્યાથી રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું. મરનારમાં ૧૨ જણની ઓળખ થઈ શકી છે, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે બોટમાં એની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા તેમ જ બોટમાં એક પણ લાઇફ જૅકેટ નહોતાં. બોટ કિનારાથી ૩૦૦ મીટર દૂર એક તરફ પલટી ખાઈ ગઈ હતી.
તપાસના આદેશ
ADVERTISEMENT
દરમ્યાન રાજ્ય સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. સાથોસાથ મરનારના દરેક પરિવારદીઠ ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા પરિવારને મળ્યા બાદ મુખ્ય પ્રધાન પી. વિજયને આ ઘટનાને દુખદ ગણાવી હતી તેમ જ દરેકની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. તપાસ સમિતિમાં ટેક્નિકલ એક્સપર્ટ પણ હશે તેમ જ સરકારે જે સેફ્ટી પ્રોટોકૉલ બનાવ્યા છે એનું પાલન થાય છે કે નહીં એ પણ જોવાશે.