વધતા આતંકવાદી હુમલાઓ સંદર્ભે ફારુક અબદુલ્લાએ કહ્યું...
ફારુક અબદુલ્લા
જમ્મુ અને કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સ પાર્ટીના સર્વેસર્વા ફારુક અબદુલ્લાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીરમાં જ્યાં સુધી સમસ્યાનું સમાધાન કાઢવા માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આતંકવાદી હુમલા બંધ થવાના નથી. બધાને ખબર છે કે બધી જ સમસ્યાની જડ પાકિસ્તાન છે. એણે સતત હુમલા કરવાનું બંધ કરવું જોઈએ. ઇસ્લામાબાદે મિત્ર બનવા માટે રસ્તા શોધવા જોઈએ. અન્યથા આ મુદ્દો વધતો જ રહેશે.’
ગુરુવારે રાત્રે બારામુલ્લામાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં બે સૈનિકો અને બે નાગરિકો સહિત ચાર જણનાં મૃત્યુ થયાં હતાં. ત્રણ દિવસ પહેલાં કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા હુમલામાં છ મજૂરો અને એક ડૉક્ટરનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં ફારુક અબદુલ્લાએ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી આપણે આ સમસ્યાનું સમાધાન શોધી કાઢતા નથી ત્યાં સુધી રાજ્યમાં આવા હુમલા થતા રહેશે. આની જડ કોણ છે એની આપણને ખબર છે. છેલ્લાં ૩૦ વર્ષથી હું નિર્દોષ લોકોની હત્યા થતી જોઈ રહ્યો છું. તેઓ (પાકિસ્તાન) શા માટે આમ કરી રહ્યા છે અને પોતાના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે? તેમને ખબર છે કે અમે કદી પાકિસ્તાનનો ભાગ બનવાના નથી. અમારા ઘણા સાથીદારો શહીદ થયા છે અને એ વર્ષાનુવર્ષ વધી રહ્યું છે. તમે જાણો છો કે આના માટે કોણ જવાબદાર છે? એ લોકો ભૂલથી વિચારે છે કે આમ કરવાથી કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાઈ જશે. તેમણે એમના દેશ સામે રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે ફોકસ કરવાની જરૂર છે. હું તેમને વિનંતી કરું છું કે આ બધાનો અંત તેઓ લાવે અને મિત્ર બનવા માટે પ્રયાસ કરે. અન્યથા આ સમસ્યા વધુ વિકરાળ બનશે.