મમતા બૅનરજી, અરવિંદ કેજરીવાલ, કે. ચન્દ્રશેખર રાવ તેમ જ અખિલેશ યાદવ આ શપથગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યાં, નવી રચાયેલી સરકારની કૅબિનેટની પહેલી મીટિંગમાં કૉન્ગ્રેસ દ્વારા મતદાતાઓને આપવામાં આવેલી પાંચ ગૅરન્ટીનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર, કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, બિહારનાAC સીએમ નીતીશ કુમાર અને ઝારખંડના સીએમ હેમંત સોરેન સહિતના લીડર્સ.
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે શાનદાર વિજય મેળવ્યો બરાબર એના એક અઠવાડિયા બાદ ગઈ કાલે સિદ્ધારમૈયાએ બીજી વખત મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે રાજ્યમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. અહીં સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર દરમ્યાન કૉન્ગ્રેસે આપેલાં પાંચ ગૅરન્ટી વચનના અમલ માટે તેમની સરકાર આદેશ પસાર કરશે. જેના થોડા જ કલાક પછી કર્ણાટકમાં નવી રચાયેલી સરકારની કૅબિનેટની પહેલી મીટિંગમાં કૉન્ગ્રેસ દ્વારા મતદાતાઓને આપવામાં આવેલી પાંચ ગૅરન્ટીનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવા ચૂંટાયેલા આઠ વિધાનસભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, હજી સુધી તેમને પોર્ટફોલિયો આપવામાં આવ્યો નથી. પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરનારા વિધાનસભ્યોમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દીકરા પ્રિયાંક ખડગે પણ સામેલ છે.
ADVERTISEMENT
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપી વિરોધી શક્તિપ્રદર્શન માટેની વિપક્ષોની કોશિશને અસર થઈ હતી, કેમ કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તેલંગણના સીએમ કે. ચન્દ્રશેખર રાવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આ શપથ ગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યાં હતાં.
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની સિસ્ટર અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે શપથગ્રહણ સમારોહમાં હાજર હતા. રાહુલે અહીં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસની જીત પછી કૉન્ગ્રેસ કેવી રીતે આ ચૂંટણી જીતી એના વિશે ઘણું લખવામાં આવ્યું, જુદા-જુદા ઍનૅલિસિસ કરવામાં આવ્યા હતા, પરંતુ હું કહેવા ઇચ્છું છું કે અમે ગરીબો, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોની પડખે રહ્યા હોવાના કારણે કૉન્ગ્રેસ જીતી છે. બીજેપીની પાસે મની, પોલીસ અને બધું જ હતું, પરંતુ કર્ણાટકના લોકોએ તેમની તમામ શક્તિઓને હરાવી છે.’
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન, સીપીઆઇના ડી. રાજા, બિહારના મુખ્ય પ્રધાન અને જેડી (યુ)ના ચીફ નીતીશ કુમાર, એનસીપીના શરદ પવાર, જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવ, સીપીઆઇ (એમ)ના સીતારામ યેચુરી અને ઍક્ટરમાંથી પૉલિટિશ્યન બનનાર કમલ હાસન આ શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.
બૅન્ગલોરના કન્તિરવા સ્ટૅડિયમમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોટ દ્વારા શપથ અપાવવામાં આવ્યા હતા.
આ પાંચ ગૅરન્ટીનો અમલ થશે
૧) દર મહિને ૨૦૦ યુનિટ ફ્રી ઇલેક્ટ્રિસિટી
૨) પરિવારની દરેક મહિલાને મહિને ૨૦૦૦ રૂપિયા
૩) ગરીબ પરિવારના દરેક સભ્યને દર મહિને ૧૦ કિલો ચોખા
૪) બેરોજગારોને ભથ્થું
૫) પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોમાં મહિલાઓ માટે ફ્રી ટ્રાવેલિંગ.