લગ્નેતર સંબંધોના શૉકિંગ અંજામ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રવિવારે રાત્રે પત્નીના લગ્નેતર સંબંધોના પગલે જેમ્સ જોસેફ ઉર્ફે બાદલ નામના પતિએ ૩૯ વર્ષની પત્ની કામિની અને ૬૨ વર્ષની સાસુ પુષ્પાની કુહાડીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. ઘરમાંથી મહિલાઓના અવાજ સાંભળીને પાડોશીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ઘરમાં લોહીના ખાબોચિયામાં બે મૃતદેહ અને જોસેફ માથું પકડીને પલંગ પર બેસી રહેલો મળી આવ્યો હતો.
કાનપુરના ચકેરીમાં ફ્રેન્ડ્સ કૉલોનીમાં આ ઘટના બની હતી. પોલીસે જોસેફની ધરપકડ કરતાં તેણે પત્નીના લગ્નેતર સંબંધોની વાત કરી હતી. ૨૦૧૭માં જોસેફે માસિયાઈ બહેન કામિની સાથે લગ્ન કર્યાં હતાં. જોસેફ એક પ્રાઇવેટ કંપનીમાં કૅન્ટીન ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે કામિનીને દિલ્હીના એક યુવાન સાથે પ્રેમ હતો. ઑક્ટોબર મહિનામાં તે એક મહિના સુધી ઘરેથી ભાગી ગઈ હતી. રાત્રે તે પ્રેમી સાથે ફોનમાં વાત કરતી રહેતી હતી. આ વાતચીત રોકવા તેણે રવિવારે રાત્રે કહ્યું તો બેઉ વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સાના આવેશમાં તેણે કુહાડીથી કામિની પર ઘા કર્યો હતો. પુત્રીને બચાવવા આવેલી પુષ્પા પર પણ તેણે હુમલો કર્યો હતો.