‘ઇમર્જન્સી’ ફિલ્મમાં ૧૩ કાપ મૂકવાની સેન્સર બોર્ડની માગણીના જવાબમાં કંગના રનૌતે કહ્યું...
કંગના રનૌતે
બૉલીવુડ ઍક્ટ્રેસ અને ફિલ્મનિર્માતા કંગના રનૌતે જણાવ્યું હતું કે ‘તેની ફિલ્મ ‘ઇમર્જન્સી’માં ૧૩ કાપ મૂકવા માટેની વિનંતી તેને સેન્સર બોર્ડ પાસેથી મળી છે. આ સૂચન ગેરવાજબી જણાય છે. મારી ટીમ ફિલ્મની અખંડતા બાબતે મક્કમ છે.’
મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા કંગનાને ફિલ્મમાં ૧૩ કાપ મૂકવા જણાવવામાં આવ્યું છે. આ મુદ્દે કંગના રનૌતે કહ્યું હતું કે મારી ટીમ ફિલ્મની પ્રામાણિકતા જાળવવા માટે મક્કમ છે.
ADVERTISEMENT
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદસભ્ય કંગના રનૌતે દિવંગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમર્જન્સી વિશે તેના ડિરેક્શનમાં ફિલ્મ બનાવી છે જેમાં તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. તે ફિલ્મની કો-પ્રોડ્યુસર પણ છે.
આ પહેલાં તેણે આરોપ લગાવ્યો હતો કે સેન્સર બોર્ડ સર્ટિફિકેટ આપવામાં વિલંબ કરે છે. આ ફિલ્મ પહેલાં છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ ફિલ્મમાં ૧૩ કાપ મૂકવા ઉપરાંત એને U/A સર્ટિફિકેટ આપ્યું છે. એમાં ડિસ્ક્લેમર મૂકવા ઉપરાંત કેટલાક ડાયલૉગ્સ અને સીનને કાપવા તથા ઐતિહાસિક તથ્યો આપવા જણાવવામાં આવ્યું છે.
આ મુદ્દે કંગના રનૌતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમને ફિલ્મમાં કાપ મૂકવાની વિનંતી મળી છે. અમે સેન્સર બોર્ડના પ્રતિભાવને આવકારીએ છીએ, પણ તેમનાં કેટલાંક સૂચનો અવ્યાવહારિક છે. જેમણે આ ફિલ્મ જોઈ છે એવા ઇતિહાસકારો અને રિવ્યુ કમિટીના મેમ્બરોએ કહ્યું છે કે ફિલ્મમાં દિવંગત નેતાનું પ્રામાણિક રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમણે ખાસ કરીને નાનામાં નાની બાબતે પણ સમાધાન કર્યા વિના સત્ય સાથેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. તેમનું સમર્થન પ્રોત્સાહક છે અને એ વાતને પુષ્ટિ આપે છે કે અમે સ્ટોરીને બરાબર ન્યાય આપ્યો છે. અમે પણ અમારી રીતે મક્કમ છીએ, ફિલ્મના રક્ષણ માટે અમે તૈયાર છીએ, અમે એવું કરવા માગીએ છીએ કે ફિલ્મનો સાર બરાબર રહે.’