લૉરેન પૉવેલ જૉબ્સ પહેલા જ દિવસે સંગમમાં ડૂબકી લગાડશે
કુંભ મેળો
શું છે કલ્પવાસ?
કલ્પવાસ એક પ્રાચીન પરંપરા છે જેનો રામચરિતમાનસ અને મહાભારત જેવા ગ્રંથોમાં ઉલ્લેખ છે. કલ્પવાસ દરમ્યાન લોકો સંગમતટે સાધારણ તંબુઓમાં રહે છે અને આરામદાયક જીવન છોડીને રોજ ગંગાસ્નાન કરે છે, ભજન ગાય છે અને સંતોનો ઉપદેશ સાંભળે છે. આ એક પ્રકારની આધ્યાત્મિક અને તપસ્વી જીવન જીવવાની પ્રક્રિયા છે જે ૧૫ દિવસ કે એથી વધારે સમય સુધી ચાલે છે. કલ્પ શબ્દનો અર્થ લાંબો સમય છે અને વાસનો અર્થ નિવાસ કરવો એમ થાય છે. કલ્પવાસ કરવાનો સમયગાળો સામાન્ય રીતે પોષી પૂર્ણિમાથી મહા મહિનાની પૂર્ણિમા (અંગ્રેજી કૅલેન્ડર મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરી) દરમ્યાન આવે છે. આ સમય દરમ્યાન તપસ્યા અને ભક્તિ કરવામાં આવે છે અને વહેલી સવારે નદીમાં ડૂબકી લગાવીને દિવસની શરૂઆત કરવામાં આવે છે. ત્યાર બાદ આખો દિવસ ધ્યાન, પૂજા અને ઉપદેશોમાં ભાગ લેવાનો રહે છે. આપણા દેશમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને બિહારમાં આજે પણ ઘણા લોકો સામૂહિકરૂપે કલ્પવાસ કરે છે અને તેમને કલ્પવાસી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઠંડીના સમયગાળામાં નદીના પટમાં એક મહિનાનો સમયગાળો વિતાવે છે.
ADVERTISEMENT
ઍપલ કંપનીના સહસ્થાપક દિવંગત સ્ટીવ જૉબ્સનાં ભૂતપૂર્વ પત્ની લૉરેન પૉવેલ જૉબ્સ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં આવશે અને સંગમસ્થળે પોષી પૂર્ણિમાના રોજ મહાકુંભના પહેલા જ દિવસે સંગમમાં ડૂબકી લગાવશે. તે કલ્પવાસ નામની એક પ્રાચીન હિન્દુ પરંપરામાં પણ ભાગ લેશે જે મહાકુંભનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. તેઓ ૧૩ જાન્યુઆરીએ જ પ્રયાગરાજ પહોંચશે અને નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી કૈલાસાનંદની શિબિરમાં રહેશે. આ દરમ્યાન તેઓ ૨૯ જાન્યુઆરી સુધી કલ્પવાસ પણ કરશે.
લૉરેન ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેશે અને રોજ સંગમમાં સ્નાન પણ કરશે. આ શિબિરમાં ૧૯ જાન્યુઆરીથી શરૂ થનારી કથાનાં પહેલાં યજમાન પણ તેઓ બનવાનાં છે.
લૉરેનના રોકાણ માટે મહારાજા ડીલક્સ કૉટેજ તૈયાર કરવામાં આવ્યો છે. પૉવેલ સ્ટીવ જૉબ્સના મૃત્યુ બાદ વારસામાં મળેલા પચીસ અબજ ડૉલર (આશરે ૨,૧૪,૬૬૨ કરોડ રૂપિયા)નાં લૉરેન માલિક છે. તેઓ સ્ટીવ જૉબ્સ ટ્રસ્ટનું સંચાલન કરે છે.
સુધા મૂર્તિ માટે બને છે કૉટેજ
ઇન્ફોસિસ કંપનીના સહસ્થાપક નારાયણ મૂર્તિનાં પત્ની અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં સંસ્થાપક સુધા મૂર્તિ પણ મહાકુંભમાં આવશે. સુધા મૂર્તિ માટે ઉલ્ટા કિલા પાસે કૉટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સાવિત્રી જિંદલ પણ આવશે
ઓ. પી. જિંદલ ગ્રુપનાં ચૅરપર્સન, ભારતનાં સૌથી ધનવાન મહિલા અને હરિયાણાનાં અપક્ષ વિધાનસભ્ય સાવિત્રીદેવી જિંદલ પણ મહાકુંભમાં આવી રહ્યાં છે અને તેમના માટે સ્વામી અવધેશાનંદ અને ચિદાનંદ મુનિની શિબિરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હેમા માલિની ડૂબકી લગાવશે
મથુરાનાં સંસદસભ્ય હેમા માલિની પણ મહાકુંભમાં ભાગ લેશે અને તેઓ મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિની શિબિરમાં રહેશે. તેઓ પણ સંગમસ્થળે ડૂબકી લગાવશે.
મહાકુંભમાં આવશે અમિતાભ બચ્ચન, આલિયા અને રણવીર કપૂર
મહાકુંભમાં ઍક્ટર અમિતાભ બચ્ચન, રણવીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ તથા ડ્રામા-ક્વીન રાખી સાવંત પણ સંગમમાં ડૂબકી લગાવવા પહોંચવાનાં છે. આ તમામ કલાકારો માટે સંગમતટે આધુનિક શિબિરોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બૉલીવુડ ઉપરાંત ટૉલીવુડ, ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝનના ઘણા કલાકારો પણ સંગમમાં સ્નાન કરવા પહોંચવાના છે. જોકે તેઓ કયા દિવસે આવવાના છે એની તારીખો ગુપ્ત રાખવામાં આવી છે.