કાશીના કાલભૈરવ મંદિરમાં કેક કાપવા પર પ્રતિબંધ
લાઇફમસાલા
એક મૉડલે મંદિરના ગર્ભગૃહમાં કેક કાપીને બર્થ-ડે મનાવ્યો
વારાણસીમાં આવેલા અને કાશીના કોટવાળ તરીકે ઓળખાતા કાલભૈરવ મંદિરમાં નવો વિવાદ ઊભો થતાં મહંત પરિવાર અને મંદિર પ્રશાસને મોટો ફેંસલો લઈને મંદિરમાં કેક કાપવા પર તેમ જ મંદિરના ગર્ભગૃહમાં ફોટો કે વિડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મંદિરમાં રીલ પણ બનાવી શકાશે નહીં. મંદિર પ્રશાસન અને કાશી વિદ્વત પરિષદે આ પગલાને આવકાર આપ્યો છે.
આની પાછળનું કારણ એ છે કે એક મૉડલે મંદિરના ગર્ભગૃહમાં કેક કાપીને બર્થ-ડે મનાવ્યો અને બાદમાં એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દીધો. એના પગલે મંદિરના પૂજારીઓ પર પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને સનાતન પરંપરાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ મુદ્દે મહંત પરિવારે જણાવ્યું હતું કે ગયા શનિવારે ભૈરવ અષ્ટમીનું પર્વ મનાવવામાં આવ્યું હતું અને એ સમયે મંદિરમાં કેક કાપવામાં આવી હતી. એક મહિલા મૉડલે પણ મંદિરમાં કેક કાપવાનો આગ્રહ કરતાં અમે તેને આ માટે પરવાનગી આપી હતી, પણ અમને ખબર નહોતી કે તેનો બર્થ-ડે છે અને તે એની રીલ ઉતારી રહી છે. તેનો વિડિયો વાઇરલ થયા બાદ હવે મંદિરમાં કેકના બદલે લાડુ અને પ્રસાદ ચડાવવામાં આવશે અને એ ભક્તોમાં વહેંચી દેવામાં આવશે.