આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં AAPને લાગ્યો જોરદાર ઝટકો : વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોટે આપ્યું રાજીનામુંઃ BJPમાં જોડાવાની શક્યતા
કૈલાશ ગેહલોટ
રાજીનામામાં તેમણે અરવિંદ કેજરીવાલે પોતાના બંગલામાં ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે કરાવેલા રિનોવેશનનો ઉલ્લેખ કરીને કહ્યું કે પાર્ટીમાં હવે રાજકીય મહત્ત્વાકાંક્ષા એ હદે વધી ગઈ છે કે આપણે લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા કોરાણે મૂકી દીધી છે
આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોટે ગઈ કાલે અચાનક જ પાર્ટીમાંથી રાજીનામું આપતાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. AAPની સરકારમાં તેમની પાસે ગૃહ, ટ્રાન્સપોર્ટ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને મહિલા તેમ જ બાળવિકાસ ખાતું હતું. જોકે આ ખાતાંઓના પ્રધાનપદેથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલના વિશ્વાસુમાંના એક કૈલાશ ગેહલોટે એકદમ જ રાજીનામું શું આપ્યું એવી ચર્ચા ચાલી રહી છે, પણ જાણકારોનું કહેવું છે કે ઘણા સમયથી કૈલાશ ગેહલોટ નારાજ હતા, પણ ૧૫ ઑગસ્ટની ઘટનાએ તેમને આ નિર્ણય લેવા મજબૂર કર્યા છે. જોકે AAPનું કહેવું છે કે છેલ્લા થોડા સમયથી ઇન્કમ ટૅક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના અધિકારીઓ તેમની સામે તપાસ કરી રહ્યા હોવાથી BJPના કહેવા પર તેમણે આ નિર્ણય લીધો હોવો જોઈએ.
ગયા વર્ષે તેમની પાસેથી ફાઇલનો ભરાવો થઈ જતો હોવાનું કહીને લૉ મિનિસ્ટ્રી લઈને આતિશીને આપવામાં આવી હતી. આ સિવાય ૧૫ ઑગસ્ટે અરવિંદે કેજરીવાલ જેલમાં હોવાથી દિલ્હીના ગવર્નર વિનયકુમાર સક્સેનાએ કૈલાશ ગેહલોટને ઝંડો ફરકાવવા કહ્યું હતું, પણ અરવિંદે કેજરીવાલે તેમની સરકારના અધિકાર પર આ તરાપ હોવાનું કહીને આતિશીને તિરંગો લહેરાવવા કહ્યું હતું. આને લીધે કૈલાશ ગેહલોટ નારાજ થઈ ગયા હોવાનું કહેવાય છે.
ગઈ કાલે અરવિંદ કેજરીવાલને મોકલેલા રાજીનામામાં કૈલાશ ગેહલોટે લખ્યું હતું કે ‘AAPમાં હવે રાજકીય મહત્ત્વકાંક્ષા એ હદે વધી ગઈ છે કે આપણે લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા કોરાણે મૂકી દીધી છે અને આ જ કારણસર આપણે લોકોને કરેલા વાયદાઓ પૂરા નથી કરી શક્યા. યમુના નદીનું જ ઉદાહરણ લઈએ. આપણે એને સ્વચ્છ નદી બનાવવાનું લોકોને પ્રૉમિસ કર્યું હતું, પણ એની આસપાસ પણ આટલા સમયમાં આપણે નથી ફરક્યા. આ જ કારણસર યમુના નદી આજે જેટલી પ્રદૂષિત છે એટલી કદાચ ક્યારેય નહોતી. આ સિવાય અત્યારે શીશમહેલ જેવા અનેક શરમજનક વિવાદ થઈ રહ્યા છે જેને લીધે લોકોને શંકા થવા લાગી છે કે શું આપણે હજી આમ આદમી બની રહેવામાં માનીએ છીએ. બીજી દુ:ખની વાત એ છે કે હવે આપણી પાર્ટી લોકોના હક માટે લડવાને બદલે પોતાના પૉલિટિકલ એજન્ડા માટે અંદરોઅંદર લડી રહ્યી છે.’
અરવિંદ કેજરીવાલે ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે પોતાનો બંગલો રિનોવેટ કરાવ્યો હોવાથી એને લઈને જોરદાર નિંદા થઈ રહી છે અને એની તપાસ પણ ચાલી રહી છે. આ બંગલાને જ કૈલાશ ગેહલોટે શીશમહેલની ઉપમા આપી છે.
કોણ છે કૈલાશ ગેહલોટ?
કૈલાશ ગેહલોટ સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈ કોર્ટમાં વકીલ છે અને તેઓ નઝફગઢ બેઠકના વિધાનસભ્ય છે. ૨૦૧૫માં પહેલી વાર તેઓ આ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા અને ત્યારથી દિલ્હી સરકારમાં કૅબિનેટ પ્રધાન છે. નવ પેઢીથી તેમનો પરિવાર નઝફગઢમાં રહે છે.