આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનારા વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોટે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP) જૉઇન કરી હતી
કૈલાશ ગેહલોટ
ધારણા મુજબ આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનારા વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોટે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP) જૉઇન કરી હતી. AAPના આરોપને ફગાવતાં તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ દબાણમાં BJPમાં નથી જોડાયો. બીજી બાજુ, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કૈલાશ ગેહલોટે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે.
AAPએ એવો આક્ષેપ કર્યો છે કે ઇન્કમ ટૅક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દબાણ હેઠળ તેમણે BJP જૉઈન કરી છે. રવિવારે અરવિંદ કેજરીવાલને મોકલેલા રાજીનામામાં કૈલાશ ગેહલોટે લખ્યું હતું કે ‘AAPમાં હવે રાજકીય મહત્ત્વકાંક્ષા એ હદે વધી ગઈ છે કે આપણે લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા કોરાણે મૂકી દીધી છે અને આ જ કારણસર આપણે લોકોને કરેલા વાયદાઓ પૂરા નથી કરી શક્યા. યમુના નદીનું જ ઉદાહરણ લઈએ. આપણે એને સ્વચ્છ નદી બનાવવાનું લોકોને પ્રૉમિસ કર્યું હતું, પણ એની આસપાસ પણ આટલા સમયમાં આપણે નથી ફરક્યા. આ જ કારણસર યમુના નદી આજે જેટલી પ્રદૂષિત છે એટલી કદાચ ક્યારેય નહોતી. આ સિવાય અત્યારે શીશમહેલ જેવા અનેક શરમજનક વિવાદ થઈ રહ્યા છે જેને લીધે લોકોને શંકા થવા લાગી છે કે શું આપણે હજી આમ આદમી બની રહેવામાં માનીએ છીએ. બીજી દુ:ખની વાત એ છે કે હવે આપણી પાર્ટી લોકોના હક માટે લડવાને બદલે પોતાના પૉલિટિકલ એજન્ડા માટે અંદરોઅંદર લડી રહ્યી છે.’
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે પોતાનો બંગલો રિનોવેટ કરાવ્યો હોવાથી એને લઈને જોરદાર નિંદા થઈ રહી છે અને એની તપાસ પણ ચાલી રહી છે. આ બંગલાને જ કૈલાશ ગેહલોટે શીશમહેલની ઉપમા આપી છે.