પંચાવન વર્ષની ઉંમર સુધીના ભાવિકોને જ મળશે આ સુવિધા
ફાઇલ તસવીર
ભારતમાં રહીને જ કૈલાસ પર્વતનાં દર્શન કરવાની ઇચ્છા ધરાવતા ભાવિકોની આશા હવે પૂરી થવાની છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ઓલ્ડ લિપુ લેખની પહાડીઓમાંથી MI-17 હેલિકૉપ્ટર દ્વારા આવતા અઠવાડિયાથી આ સુવિધા શરૂ થવાની છે જેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ માટે ૭૫,૦૦૦ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
ભગવાન શિવનું નિવાસસ્થાન હોવાનું મનાતો કૈલાસ પર્વત ચીનના કબજા હેઠળના તિબેટમાં આવેલો છે અને વ્યુ પૉઇન્ટ ચીન સરહદથી ૧૦ કિલોમીટર દૂર છે. વ્યુ પૉઇન્ટ ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈ પર હોવાથી પંચાવન વર્ષની ઉંમર સુધીના ભાવિકોને જ હેલિકૉપ્ટરની યાત્રા માટે પરવાનગી આપવામાં આવશે.
ADVERTISEMENT
શું હશે શેડ્યુલ?
ભાવિકોને પહેલાં પિથોરાગઢથી ૧૧ કિલોમીટર દૂર આવેલા ધારચૂલા લઈ જવાશે જ્યાં સ્વાસ્થ્ય-પરીક્ષણ થશે અને પરમિટ મળશે. પહેલા દિવસે હેલિકૉપ્ટરમાં પિથોરાગઢથી ગુંજી ગામ લઈ જવામાં આવશે અને રાત્રિ-નિવાસ કરાવવામાં આવશે. બીજા દિવસે કારથી આદિ કૈલાસનાં દર્શન કરાવવામાં આવશે. ત્રીજા દિવસે કૈલાસ વ્યુ પૉઇન્ટ લઈ જઈને ભાવિકોને પાછા લાવવામાં આવશે અને રાત્રિ-મુકામ ગુંજીમાં જ રહેશે. ચોથા દિવસે હેલિકૉપ્ટરમાં પાછા પિથોરાગઢ લાવવામાં આવશે.