વિપક્ષના સભ્યોએ આપેલાં ૪૪ સંશોધનોને રજૂ કર્યાં હતાં પણ મતવિભાજનના આધારે ફગાવી દેવામાં આવ્યાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
વક્ફ અમેન્ડમેન્ટ બિલ પર ચર્ચા કરી રહેલી જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC)એ નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ના મેમ્બરો દ્વારા આપવામાં આવેલાં તમામ સંશોધનોને સ્વીકારી લીધાં છે, પણ વિપક્ષના સભ્યોએ આપેલાં ૪૪ સંશોધનોને રજૂ કર્યાં હતાં પણ મતવિભાજનના આધારે ફગાવી દેવામાં આવ્યાં હતાં.
JPCની બેઠક બાદ વિપક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ બેઠકમાં દરેક ક્લૉઝ પર વિચારણા થશે એવી અમારી ધારણા હતી, પણ એવું થયું નથી. ચૅરમૅનનું આપખુદ વર્તન જોવા મળ્યું છે. કેન્દ્ર સરકાર આ સેક્યુલર દેશને ભગવો રંગ ચડાવવા માગે છે.’
ADVERTISEMENT
આ મુદ્દે તૃણમૂલ કૉન્ગ્રેસના કલ્યાણ બૅનરજીએ કહ્યું હતું કે ‘આ હાસ્યાસ્પદ કવાયત હતી. અમારી વાત સાંભળવામાં આવી નહોતી. ચૅરમૅન જગદંબિકા પાલે તાનાશાહની રીતે કામ કર્યું છે.’
જોકે આ મુદ્દે પાલે કહ્યું હતું કે આખી પ્રક્રિયા લોકતાંત્રિક રીતે કરવામાં આવી હતી અને બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો.
JPCની આગામી બેઠક આવતી કાલે બુધવારે થશે. એમાં વક્ફ (સુધારા) બિલ, ૨૦૨૪ના ડ્રાફ્ટ રિપોર્ટ વિશે વિચારણા કરવામાં આવશે.

