કર્ણાટકમાં દીકરાના સેક્સ-સ્કૅન્ડલ મામલે પપ્પાએ તોડી ચુપ્પી
એચ. ડી. રેવન્ના અને પુત્ર-સંસદસભ્ય પ્રજ્વલ રેવન્ના
કર્ણાટકના વિધાનસભ્ય અને જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા એચ. ડી. રેવન્નાએ તેમના પુત્ર અને સંસદસભ્ય પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ-સ્કૅન્ડલના મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે ‘આ એક ષડ્યંત્ર છે અને આ વિડિયો ચાર-પાંચ વર્ષ જૂનો છે. હું જાણું છું કે આ કેવા પ્રકારનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. હું એમાંનો નથી જે ડરી જાય અને અહીંથી ભાગી જાય. અમને કોઈ ડર નથી. કૉન્ગ્રેસની સત્તા હેઠળ છેલ્લાં ૪૦ વર્ષમાં અમે અનેક પ્રકારની તપાસનો સામનો કર્યો છે.’
પ્રજ્વલ વિદેશ ભાગી ગયો છે એવા આરોપ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘પ્રજ્વલ તો વિદેશ જવાનો જ હતો. તેને તો ખબર જ નહોતી કે તેની વિરુદ્ધ પોલીસ-કેસ થવાનો છે. પ્રજ્વલને પાર્ટીમાંથી કાઢવાનો છે કે નહીં એ મુદ્દે પાર્ટીના હાઈકમાન્ડ પર નિર્ણય છોડવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
નિર્ણય એચ. ડી. દેવ ગૌડા લેશે
એચ. ડી. રેવન્નાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાર્ટી કર્ણાટકના હસન લોકસભાના સંસદસભ્ય પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. એવું જાણવા મળે છે કે પ્રજ્વલને પાર્ટીમાંથી પડતો મૂકવાનો નિર્ણય ખુદ એચ. ડી. દેવ ગૌડા લેશે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી પર તાક્યું નિશાન
કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સેક્સ-સ્કૅન્ડલના મુદ્દે BJP પર નિશાન તાકતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘જે નેતાના ખભા પર હાથ રાખીને વડા પ્રધાન ફોટો પડાવે છે અને એનો ચૂંટણીપ્રચાર કરવા ૧૦ દિવસ પહેલાં જાય છે, મંચ પર તેની પ્રસંશા કરે છે એ નેતા આજે કર્ણાટકમાંથી ફરાર છે. તેના અપરાધ સાંભળીને દિલ બેસી જાય છે. સેંકડો મહિલાનાં જીવન તેણે બરબાદ કર્યાં છે. મોદીજી શું હવે પણ તમે ચૂપ રહેશો?’