રાજ્યસભામાં આખું નામ લેવામાં આવતાં ભડકી ઊઠ્યાં
જયા બચ્ચન
રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય અને ઍક્ટર અમિતાભ બચ્ચનનાં પત્ની જયા બચ્ચન ગઈ કાલે રાજ્યસભામાં તેમને આખા નામથી બોલાવવામાં આવતાં ભડકી ગયાં હતાં. સંસદમાં બજેટ પરની ચર્ચામાં ભાગ લેતી વખતે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે જયા બચ્ચનનું નામ બોલતી વખતે તેમનું આખું નામ જયા અમિતાભ બચ્ચન એમ કહ્યું હતું જેની સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
જયા બચ્ચને ઊભાં થઈને કહ્યું હતું કે તમે ફક્ત જયા બચ્ચન એમ કહ્યું હોત તો પણ એ પૂરું હતું. આ મુદ્દે હરિવંશ સિંહે જણાવ્યું કે તમારી બેઠક સામે તમારું આખું નામ લખવામાં આવ્યું હોય છે એથી મેં એ નામ ઉચ્ચાર્યું હતું.
ADVERTISEMENT
જોકે આ જવાબથી તેઓ વધારે સંતુષ્ટ દેખાયાં નહીં અને કહ્યું કે હવે આ નવી રીત કાઢવામાં આવી છે કે મહિલાઓ તેમના પતિના નામથી જાણીતી થશે; તેમનું કોઈ અસ્તિત્વ નથી, તેમની કોઈ ઉપલબ્ધિ નથી.
આ પહેલાં ગયા અઠવાડિયે પણ રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ પર ભેદભાવનો આરોપ લગાવીને જયા બચ્ચન ભડકી ઊઠ્યાં હતાં. તેઓ કોઈ મુદ્દે સપ્લીમેન્ટરી સવાલ પૂછવા માગતાં હતાં, પણ સત્તાધારી પક્ષના સંસદસભ્યો તેમની સામે બોલવા લાગ્યા હતા. આથી જયા બચ્ચને જગદીપ ધનખડને કહ્યું હતું કે કોઈ પ્રધાન કે સંસદસભ્ય મને સવાલ કરે તો તમે તેમને ટોકતા નથી, પણ વિપક્ષમાંથી કોઈ સવાલ પૂછવા ઊભો થાય તો તમે એને ટોકી દો છો; આ બરાબર નથી. જોકે ધનખડે કહ્યું હતું કે હું તો બધાની સાથે નિષ્પક્ષ છું.