૧૯૭૧માં ફિલ્મજગત સાથે સંકળાયેલા દાદાસાહેબ ફાળકે પર પહેલી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી
જયા બચ્ચન
જાણીતાં ઍક્ટ્રેસ અને રાજ્યસભાનાં મેમ્બર જયા બચ્ચને સંસદના બજેટસત્રમાં બજેટ પરની ચર્ચામાં બોલતાં માગણી કરી હતી કે ‘સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની બે ફિલ્મો ‘શોલે’ અને ‘દીવાર’ની રિલીઝને ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એટલે એની યાદમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવે. આ ટપાલટિકિટ ભારતીય સિનેમાના વારસાને બચાવવાનું અને આવનારી પેઢીને જોડવાનું કામ કરશે. ફિલ્મોનું આપણા સાંસ્કૃતિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે.’
‘શોલે’ અને ‘દીવાર’ ૧૯૭૫માં રિલીઝ થઈ હતી. આ બે ફિલ્મોએ અમિતાભ બચ્ચનની સશક્ત ઍક્ટર તરીકે ઓળખ બનાવી હતી. ‘શોલે’માં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડીએ ધમાલ મચાવી હતી અને ‘દીવાર’એ અમિતાભ બચ્ચનને ઍન્ગ્રી યંગ મૅન તરીકે ઓળખ આપી હતી.
ADVERTISEMENT
જયા બચ્ચને તેમના ભાષણમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરવાનો નાણાપ્રધાન નિર્મલા સીતારમણને અનુરોધ કર્યો હતો. તેમણે એ પણ માગણી કરી હતી કે ભારતીય સિનેમાના વારસાનું સંરક્ષણ કરવામાં આવે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ થઈ રહ્યાં હોવાનો મુદ્દો પણ તેમણે ઉપાડ્યો હતો.
કોની ટિકિટો બહાર પડી છે?
૧૯૭૧માં ફિલ્મજગત સાથે સંકળાયેલા દાદાસાહેબ ફાળકે પર પહેલી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમણે ૧૯૧૩માં ભારતની પહેલી ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી હતી. ત્યાર બાદ સત્યજિત રે, રાજ કપૂર, મધુ બાલા, નર્ગિસ, બિમલ રૉય અને યશ ચોપડા જેવા દિગ્ગજો પર સ્ટૅમ્પ બહાર પાડવામાં આવી છે.

