૨૬ વર્ષ પહેલાં જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જમ્મુ-કાશ્મીરના એ જ એરિયામાં લિથિયમની હાજરી હોવા વિશે વિસ્તારથી એક રિપોર્ટમાં જણાવ્યું હતું
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના લિથિયમના ટુકડા બતાવતા એક ગામના લોકો.
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો હોવાની જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવતાં જ ખુશી વ્યાપી ગઈ હતી. જોકે બે દશક કરતાં વધારે સમય પહેલાં પણ આવી જાહેરાત કરી શકાઈ હોત. જોકે નિષ્ક્રિયતા અને આ ભંડારનું મહત્ત્વ સમજવામાં થાપ ખાઈ જવાને કારણે દેશ અનેક વર્ષો બાદ હવે આ ભંડારનો લાભ લઈ શકશે.
લગભગ ૨૬ વર્ષ પહેલાં જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જમ્મુ-કાશ્મીરના સલાલમાં એ જ એરિયામાં લિથિયમની હાજરી હોવા વિશે વિસ્તારથી એક રિપોર્ટમાં જણાવ્યું હતું. જોકે એના પછી આ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી.
ADVERTISEMENT
માઇન્સ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમના એરિયામાં ૫૯ લાખ ટનનો લિથિયમ ઇનફર્ડ રિસોર્સિસ હોવાનું સ્થાપિત કર્યું છે.’
નોંધપાત્ર છે કે આટલા વિશાળ પ્રમાણમાં લિથિયમ મળવાને કારણે દેશની આર્થિક સ્થિતિને લાભ થશે, કેમ કે ઇલેક્ટ્રિક વેહિકલ્સ અને સૉલર પૅનલ્સ સહિત આધુનિક જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી અનેક વસ્તુઓના ઉત્પાદનમાં લિથિયમ મહત્ત્વપૂર્ણ એલિમેન્ટ છે.
૧૯૯૫-૯૭નાં તારણોની જેમ જ જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાનાં લેટેસ્ટ તારણો પણ પ્રાથમિક છે. જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ૧૯૯૭માં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં અનેક જગ્યાએ લિથિયમનો ભંડાર મળવાની શક્યતા ખૂબ ઊજળી જણાય છે.