ગઈ કાલે રાજ્યની ૯૦માંથી ૨૪ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરમાં ગઈ કાલે પહેલા ચરણ માટે થયેલા મતદાનમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૫૯.૪૩ મતદાતાઓએ પોતાની ફરજ નિભાવી હતી. ગઈ કાલે રાજ્યની ૯૦માંથી ૨૪ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમ્મુની આઠ અને કાશ્મીરની ૧૬ બેઠક હતી. રાજ્યના સાત જિલ્લામાં થયેલી આ ચૂંટણીમાં સૌથી વધારે ૭૯.૩૯ ટકા કિશ્તવાડ અને સૌથી ઓછું ૪૬.૬૫ ટકા પુલવામામાં મતદાન થયું હતું.
ગઈ કાલની ચૂંટણી વિશે ચીફ ઇલેક્ટોરલ ઑફિસર પી. કે. પૉલે કહ્યું હતું કે ‘પહેલા ચરણનું મતદાન શાંતિપૂર્વક પાર પડ્યું છે, અમારે ક્યાંય ફેરચૂંટણી કરવાની જરૂર નથી. ગઈ કાલે જે ઉમેદવારોનાં ભાવિ મતપેટીમાં સીલ થયાં હતાં એમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નાં પ્રમુખ અને રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિઝા મુફ્તી, રાજ્યમાં કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી ગુલામ અહમદ મીર અને કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ના સિનિયર નેતા મોહમ્મદ યુનુસ તરિગામીનો સમાવેશ છે.