આમ આદમી પાર્ટીએ પંજાબમાં જાલંધર લોકસભાની સીટ પર અને બીજેપીના સાથી અપના દલ (સોનેલાલ)એ ઉત્તર પ્રદેશમાં શાનદાર જીત મેળવી
જાલંધર બેઠક પર લોકસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ નવી દિલ્હીમાં ગઈ કાલે આમ આદમી પાર્ટીના મુખ્યાલય ખાતે મીડિયાને સંબોધી રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન (તસવીર : એ.એન.આઇ.)
આમ આદમી પાર્ટીએ પંજાબમાં જાલંધર લોકસભાની સીટ પર પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. ગઈ કાલે જાહેર કરાયેલાં વિધાનસભાની બેઠકો માટેનાં પેટાચૂંટણીઓનાં પરિણામની વાત કરીએ તો બીજેપીના સાથી અપના દલ (સોનેલાલ)એ ઉત્તર પ્રદેશમાં, મેઘાલયમાં યુડીપીએ અને ઓડિશામાં બીજેડીએ જીત મેળવી છે.
લોકસભાની એક બેઠક, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની બે, ઓડિશા અને મેઘાલયની એક-એક બેઠક માટે ૧૦ મેએ પેટાચૂંટણી યોજાઈ હતી.
ADVERTISEMENT
જાલંધરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ રિન્કુએ કૉન્ગ્રેસનાં કરમજિત કૌર ચૌધરીને ૫૮,૬૯૧ મતથી હરાવ્યાં હતાં.
વિધાનસભાની પેટાચૂંટણીની વાત કરીએ તો અપના દલ (એસ)એ સૌર બેઠક પરથી જીત મેળવતાં ઉત્તર પ્રદેશમાં બીજેપીના નેતૃત્વવાળા ગઠબંધને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના રામપુર પર ચાર દસકાથી ચાલ્યા આવતા દબદબાનો અંત આણ્યો હતો.
શફીક અહેમદ અન્સારીએ સમાજવાદી પાર્ટીનાં અનુરાધા ચૌહાણને ૮૭૨૪ મતથી હરાવ્યાં હતાં. અપના દલ (એસ)ને બીજી સફળતા ત્યારે મળી જ્યારે રિન્કી કૌલે સમાજવાદી પાર્ટીના કીર્તિ કૌલને ૯૫૮૭ મતથી હરાવીને છનબે વિધાનસભાની બેઠક પર જીત મેળવી હતી.
ઓડિશામાં શાસક બીજેડીએ ઝારસુગુદા વિધાનસભાની બેઠક જાળવી રાખી હતી. એનાં ઉમેદવાર દીપાલી દાસે બીજેપીના ઉમેદવાર તનકધર ત્રિપાઠીને ૪૮૭૨૧ મતથી હરાવ્યા હતા.
યુડીપીના સીનશર કૂપર રૉય લિંગદોહ થબાહે એનપીપીના સેમલિન મલનગિઆંગને ૩૪૨૨ મતથી હરાવીને મેઘાલયના ઈસ્ટ ખાસી હિલ્સમાં સોહિઓંગ પેટાચૂંટણીમાં જીત મેળવી હતી.