ઓઆરએસની જેમ મીઠાનું પાણી પીવાથી તેમ જ કોરોનાથી મરણ પામેલા શબને મીઠું લગાવવાથી કોવિડનું સંક્રમણ નહીં થાય એવી અફવાઓ ફેલાઈ
પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે
કોવિડથી મરણ પામેલા લોકોના અંતિમ સંસ્કારમાં મીઠાનો ઉપયોગ કરવાથી કોવિડ-૧૯નું સંક્રમણ પ્રસરતું નથી એવી અફવા ફેલાયા બાદ રાજસ્થાનનાં કેટલાંક ગામોમાં મીઠાના ભાવ આસમાને પહોંચ્યા હતા. પરિણામે એક સમયે ૧૮થી ૨૦ રૂપિયે કિલો વેચાતા મીઠાનો ભાવ ૧૦૦ રૂપિયે કિલોએ પહોંચ્યો હતો. એક અફવા એવી પણ પ્રસરી હતી કે ઓઆરએસની જેમ મીઠાનું પાણી પીવાથી કોરોનાનું સંક્રમણ વધતું નથી. રાજસ્થાનના મોહનપુરા, મમંગાલ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠું ૧૦૦ રૂપિયે કિલો વેચાયું છે.
વાસ્તવમાં શરૂઆતમાં કેટલાક જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રસાર લગભગ નહીંવત્ હતો, પરંતુ કોરોના વાઇરસથી લોકોના મૃત્યુ થયા બાદ આવેલા શબ પરના પીપીઈ કિટ કે પ્લાસ્ટિકને લોકો જાણકારીના અભાવે ખોલી નાખતા હતા, જ્યારે કે કેટલીક વાર પીપીઈ કિટ કે પ્લાસ્ટિક એટલું પાતળું રહેતું હતું કે શબને ઉઠાવતાં જ એ ફાટી જતું હતું. પરિણામે ગામમાં કોરોના વાઇરસનો પ્રસાર વધવા લાગ્યો હતો.