Jaipur Coaching Centre Gas Leak: પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં અચાનક ગેસ લીક, વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ, દસ વિદ્યાર્થીઓને હૉસ્પિટલમાં દાખલ કરયાં
તસવીરઃ પીટીઆઇ
રાજસ્થાન (Rajasthan)ના જયપુર (Jaipur)માં એક કોચિંગ સેન્ટરમાં અચાનક ઝેરી ગેસ ફેલાઈ જવાનો (Jaipur Coaching Centre Gas Leak) મામલો સામે આવ્યો છે. જેના કારણે ૧૨ વિદ્યાર્થીઓ બેભાન પણ થઈ ગયા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બે વિદ્યાર્થીનીઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
રવિવારે સાંજે જયપુરના ગોપાલપુરમાં એક કોચિંગ સેન્ટરમાં દુર્ગંધયુક્ત ગેસ લીક થયા બાદ બારથી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. આ સમય દરમિયાન, પાંચ છોકરી અને બે છોકરાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અન્ય બે વિદ્યાર્થીઓને મેટ્રો માસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. રવિવારે સાંજે લગભગ ૬.૪૫ કલાકે કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી વખતે અચાનક એક વિચિત્ર ગંધ ફેલાઈ હતી. દુર્ગંધ એટલી તીવ્ર હતી કે વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવવા લાગ્યા. કોચિંગ ક્લાસમાં બારીઓ બંધ હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની હતી. કોચિંગ મેનેજમેન્ટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોનું કહેવું છે કે સમયસર સારવાર મળવાને કારણે કોઈને ગંભીર નુકસાન થયું નથી.
ADVERTISEMENT
ગોપાલપુરા સ્થિત કોચિંગ સેન્ટરમાં રવિવારે સાંજે રીટ પરીક્ષાની તૈયારી માટેનો ક્લાસ ચાલી રહ્યો હતો. તે સમયે વર્ગમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. ક્લાસ દરમિયાન અચાનક રૂમમાં એક વિચિત્ર ગંધ ફેલાઈ ગઈ, જેના કારણે વિદ્યાર્થીઓને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ક્લાસમાં આગળ બેઠેલી છોકરીઓને સૌથી પહેલા ગંધ આવી. મળતી માહિતી મુજબ, કુલ ૧૦-૧૨ લોકો બેભાન થઈ ગયા, જેમાં ૮ વિદ્યાર્થીનીઓ અને ૧ વિદ્યાર્થીની અને ૧ રસોઈયાનો સમાવેશ થાય છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે છેલ્લા પંદર-વીસ દિવસથી કોચિંગમાં કોઈ પ્રકારની ગંધ આવી રહી છે.
પ્રારંભિક પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમના અભ્યાસ દરમિયાન અચાનક દુર્ગંધ આવી હતી જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.
પોલીસ અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ગટરમાંથી ઉછળતા ગેસ અથવા બિલ્ડિંગની છત પર રસોડામાંથી આવતા ધુમાડાને કારણે હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, રસોડામાં રસોઈ બનાવવાને કારણે ધુમાડો ક્લાસરૂમ સુધી પહોંચ્યો, જેના કારણે બાળકોની તબિયત લથડી.
એસડીએમ રાજેશ જાખરે કહ્યું કે, કેટલીક છોકરીઓ બેભાન થઈ ગઈ હતી અને તેમને તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને મેં તેમની સાથે વાત કરી છે. તેમની માંગણીઓ વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે. ડૉક્ટરોએ કહ્યું કે, શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે સાત બાળકોને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અન્ય બે બાળકોને અન્યત્ર દાખલ કરાયા હતા. દરેક વ્યક્તિને સતત ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલ તેમની હાલત સામાન્ય છે.
અધિકારીઓએ આ ઘટનામાં `ફૂડ પોઈઝનિંગ`ની શક્યતાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને માત્ર શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી નથી.
આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટની બહાર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સંસ્થાના નબળા સંચાલન અને લાંબા સમયથી દુર્ગંધની સમસ્યા સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ અસરગ્રસ્ત બાળકોની હાલત હવે સામાન્ય છે. કેસની તપાસ ચાલી રહી છે.