ઝારખંડમાં વહેલી સવારે વિહાર કરીને જઈ રહેલાં ખરતરગચ્છનાં સાધ્વીજી શશિપ્રભાજીને કારે અડફેટે લીધાં
સાધ્વીજી શશિપ્રભાજી મહારાજસાહેબ
ઝારખંડના જમશેદપુર (તાતાનગર) નજીકથી સવારના પાંચ વાગ્યે વિહાર કરીને જઈ રહેલાં ખરતરગચ્છ જૈન સમાજનાં સાધ્વીજી શશિપ્રભાજી મહારાજસાહેબ રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યાં હતાં, જ્યારે તેમની સાથે વિહાર કરી રહેલાં સાધ્વીજી જાગૃત દર્શનાશ્રીજી મહારાજસાહેબ અને સાધ્વીજી શશિપ્રભાજી મહારાજસાહેબની વ્હીલચૅર ચલાવી રહેલી મહિલા બન્નેને કલકત્તાની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. બન્નેની હાલત ગંભીર છે. આ દુર્ઘટનાથી કલકત્તા અને તાતાનગર જૈન સમાજ સહિત દેશભરના ખરતરગચ્છ જૈન સમાજમાં ખળભળાટ સાથે શોક ફેલાયો છે. સાધ્વીજી શશિપ્રભાજી મહારાજસાહેબના અંતિમ સંસ્કાર ગઈ કાલે સવારે આઠ વાગ્યે દુર્ઘટનાસ્થળથી ૪૦ કિલોમીટર દૂર ખડગપુરમાં કરવામાં આવ્યા હતા.
આ બનાવની માહિતી આપતાં સાધ્વીજીના તાતાનગરના ભક્ત પદમસિંહ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુર્ઘટના ગઈ કાલે સવારે પાંચ વાગ્યે બની હતી. સાધ્વીજી શશિપ્રભાજી મહારાજસાહેબ ગઈ કાલે તેમની સેવક શિષ્યા સાધ્વીજી જાગૃત દર્શનાશ્રીજી મહારાજસાહેબ સાથે પૂર્વ મેદિનીપુર જિલ્લાના પંસકુરા પોલીસ-સ્ટેશન હેઠળના ખડગપુર-જનાબાદ બાયપાસથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક પ્રાઇવેટ કારે સાધ્વીજીઓને ટક્કર મારી હતી. એમાં વ્હીલચૅર પર વિહાર કરી રહેલાં સાધ્વીજી શશિપ્રભાજી મહારાજસાહેબને માથા પર જીવલેણ માર લાગતાં બ્રેઇન-હૅમરેજ થવાથી ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હતાં. અન્ય સાધ્વીજી અને વ્હીલચૅર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પીતપુર સુપરસ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમના રિલેટિવ્સ દ્વારા તેમને કલકત્તાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.’