આ કેસમાં બે દાણચોર અને તેમના એક સાથી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.
દાણચોરીનું સોનું
ભારત અને ચીન સરહદ પર મંગળવારે બપોરે ઇન્ડો તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)ને એક કિલોગ્રામની એક એવી ૧૦૮ સોનાની પાટો મળી આવી હતી. દાણચોરીના આ સોના સાથે બે મોબાઇલ ફોન, બાઇનોક્યુલર, બે ચાકુ, કેક અને દૂધ જેવી અનેક ચાઇનીઝ ફૂડ-આઇટમો મળી આવી હતી. આ કેસમાં બે દાણચોર અને તેમના એક સાથી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં ITBPના અધિકારીઓએ જણાવ્યું હતું કે ITBPના ઇતિહાસમાં જપ્ત કરાયેલો સોનાનો આ સૌથી મોટો જથ્થો છે અને આ જથ્થો કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવશે. ૨૧મી બટાલિયનના ITBPના સૈનિકોએ પૂર્વી લદ્દાખના ચાંગથાંગ સબ-સેક્ટરમાં ઘણે ઠેકાણે દાણચોરોની ઘૂસણખોરી રોકવા માટે પૅટ્રોલિંગની શરૂઆત કરી છે, કારણ કે ઉનાળામાં દાણચોરીની ગતિવિધિઓ વધી જાય છે. વાસ્તવિક નિયંત્રણરેખાથી એક કિલોમીટર દૂર શ્રીરાપલમાં દાણચોરીના ઇન્પુટ્સ મળ્યાં હતાં. ડેપ્યુટી કમાન્ડર દીપક ભટની આગેવાની હેઠળ પૅટ્રોલિંગ પાર્ટીએ બે લોકોને ખચ્ચર પર જોયા હતા અને તેમને અટકવા જણાવ્યું હતું. જોકે તેઓ ભાગવા માંડતાં તેમને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી સોનાનો જથ્થો મળી આવ્યો હતો.