પહેલી વાર પાકિસ્તાની આર્મી ચીફ જનરલે કહ્યું કે કારગિલમાં અમારા સૈનિકો માર્યા ગયાઃ અત્યાર સુધી પાકિસ્તાન કહેતું આવ્યું છે કે આ યુદ્ધ કાશ્મીરના મુજાહિદ્દીનોએ છેડ્યું હતું અને એમાં અેની કોઈ ભૂમિકા નહોતી
પ્રતીકાત્મક તસવીર
૧૯૯૯ના કારગિલ યુદ્ધ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની કબૂલાત ૨૫ વર્ષ બાદ કરવામાં આવી છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે શુક્રવારે રાવલપિંડીમાં ડિફેન્સ ડેના કાર્યક્રમમાં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાનું કબૂલ્યું હતું.
ભારત વિરુદ્ધ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં બોલતાં આર્મી ચીફ અસીમ મુનીરે કહ્યું હતું કે ‘પાકિસ્તાન સમુદાય બહાદુરોનો સમુદાય છે. એ જાણે છે કે આઝાદીની કિંમત કેવી રીતે ચૂકવવાની હોય છે. એ પછી ૧૯૪૮નું યુદ્ધ હોય, ૧૯૬૫, ૧૯૭૧ કે પછી ૧૯૯૯નું કારગિલ યુદ્ધ હોય કે પછી સિયાચીનનો સંઘર્ષ હોય; પાકિસ્તાનના હજારો સૈનિકોએ ઇસ્લામ અને દેશ માટે પોતાના જાનની કુરબાની આપી દીધી હતી.’
ADVERTISEMENT
અસીમ મુનીરનું આ નિવેદન હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે, કારણ કે પહેલી વાર પાકિસ્તાનના કોઈ સૈન્ય-અધિકારીએ કારગિલમાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાની વાત કરી છે. આ પહેલાં કારગિલ યુદ્ધ મુદ્દે પાકિસ્તાનનો જવાબ રહેતો હતો કે આ યુદ્ધ કાશ્મીરના મુજાહિદ્દીનોએ છેડ્યું હતું અને એમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નહોતી. પાકિસ્તાન કહેતું રહ્યું હતું કે પાકિસ્તાની સેના સરહદ પર પૅટ્રોલિંગ કરતી હતી ત્યારે આદિવાસી નેતાઓ અને કાશ્મીરી ફ્રીડમ ફાઇટરો કારગિલની ટોચ પર ચડી ગયા હતા. નવાઈની વાત એ હતી કે પાકિસ્તાને એના મૃત સૈનિકોના મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી.
જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે કારગિલ પર હુમલાને રણનૈતિક બ્લન્ડર ગણાવ્યું હતું. નિવૃત્તિ બાદ લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝે કહ્યું હતું કે આ ચાર માણસોનો શો હતો જેમાં જનરલ પરવેઝ મુશરફ અને બીજા ટોચના અધિકારીઓને જાણ હતી.
શું છે કારગિલ વૉર?
કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનો સંપર્ક કાપવા માટે પાકિસ્તાની સૈનિકોએ કારગિલની ટેકરીઓ કબજે કરી હતી અને તેમની નજર નૅશનલ હાઇવે-1ને બ્લૉક કરવાની હતી. આમ કરીને તેઓ ભારતનો સિયાચીન ગ્લૅસિયર સાથેનો સંપર્ક પણ તોડવા માગતા હતા. ૧૯૯૯ના મે અને જુલાઈ વચ્ચે આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું જેમાં ૨૬ જુલાઈના દિવસે ભારતે વિજય મેળવ્યો હતો અને ત્યાર બાદ દર વર્ષે ૨૬ જુલાઈને વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. કારગિલ યુદ્ધ મુદ્દે ભારતનો સ્પષ્ટ આરોપ હતો કે આ જાણી-વિચારીને યોજેલું ષડયંત્ર હતું. પાકિસ્તાનના સૈનિકોને ખદેડી મૂકવા માટે ભારતને ઑપરેશન વિજય ચલાવવું પડ્યું હતું અને એમાં ભારતના સેંકડો સૈનિકો શહીદ થયા હતા.
BJPએ શું પ્રતિક્રિયા આપી?
પાકિસ્તાનની કબૂલાતને પગલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે ‘આતંકવાદ અને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની ભૂમિકા ઓપન સીક્રેટ છે અને હવે પાકિસ્તાનના જનરલે પણ આ વાત સ્વીકારી છે. આમ છતાં કૉન્ગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ હજી પણ પાકિસ્તાન સાથે વાતચીત કરવાની હિમાયત કરે છે. મોદી વિરોધના નામે તેઓ અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કરે છે, પણ તેઓ ભારતવિરોધી છે. તેમના માટે નેશન ફર્સ્ટ નથી, પરિવાર ફર્સ્ટ છે.’