સામાન્ય રીતે આવી ટ્રિપમાં ટૂરિસ્ટ્સ સ્પેસની ધાર પર લગભગ ૧૫ મિનિટ સુધી રહે છે
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : ૨૦૩૦થી ભારતમાંથી ધનાઢ્યો ૬ કરોડ રૂપિયામાં સ્પેસ-સૂટ પહેરીને અને રૉકેટના ટોચના મૉડ્યુલમાં બેસીને સ્પેસની ટ્રિપ કરી શકશે. ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)ના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારના સ્પેસ ટૂરિઝમ માટેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.
ઇસરોના ચૅરમૅન એસ. સોમનાથે કહ્યું હતું કે સ્પેસની એક ટ્રિપ માટે વ્યક્તિ દીઠ લગભગ છ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દુનિયામાં સ્પેસ કંપનીઓ અત્યારે તેમની સ્પેસ ટ્રિપ માટે એટલી જ રેન્જમાં ચાર્જ વસૂલે છે.
ADVERTISEMENT
સોમનાથે વધુ જણાવ્યું હતું કે ‘ભારતના પોતાના સ્પેસ ટૂરિઝમ મૉડ્યુલ માટે કામગીરી ચાલી રહી છે, જે સુરક્ષિત રહેશે. આ સ્પેસ ટ્રિપ કરનારા પોતાની જાતને ઍસ્ટ્રોનૉટ્સ કહી શકશે.’
સોમનાથે એ સ્પષ્ટ કર્યું નથી કે સ્પેસ ટૂરિસ્ટ્સને સ્પેસની ધાર પર ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ લઈ જવાશે કે પછી ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં. જોકે ખર્ચની દૃષ્ટિએ એ ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ હોય એમ જણાય છે. સામાન્ય રીતે આવી ટ્રિપમાં ટૂરિસ્ટ્સ સ્પેસની ધાર પર લગભગ ૧૫ મિનિટ રહે છે. તેઓ ઓછા ગ્રેવિટીવાળા વાતાવરણમાં થોડીક મિનિટ્સ રહે છે અને એ પછી પાછા ધરતી પર આવે છે. ફરીથી યુઝ કરી શકાય એવા રૉકેટ્સનો આ ફ્લાઇટ્સ માટે યુઝ થશે.
આ પણ વાંચો: ભારતને સુપરપાવર બનાવવામાં ઇસરો પાયાની ભૂમિકા ભજવશે
કેન્દ્રીય રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) સાયન્સ અને ટેક્નૉલૉજી, ઍટોમિક એનર્જી અને સ્પેસ પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ઇસરોએ ઑલરેડી ભારતના સ્પેસ ટૂરિઝમ મિશન માટે જુદી-જુદી સ્ટડી શરૂ કરી દીધી છે.
સ્પેસ ટૂરિઝમ એ નવી બાબત નથી. ઍરોસ્પેસ એન્જિનિયર અને ફાઇનૅન્શિયલ ઍનલિસ્ટ ડેનિસ ટિટો ૨૦૦૧માં રૂપિયા ચૂકવીને સ્પેસમાં જનારા પ્રથમ ટૂરિસ્ટ બન્યા હતા. તેમણે સુયોઝ સ્પેસક્રાફ્ટમાં અવકાશની મુસાફરી કરવા માટે રશિયાને બે કરોડ ડૉલર (૧૬૫.૨૯ કરોડ રૂપિયા) ચૂકવ્યા હતા. એ પછી તો બ્લુ ઓરિજિન, વર્જિન ગૅલક્ટિક અને સ્પેસએક્સ સહિત અનેક કંપનીઓએ લોકોને સ્પેસમાં લટાર મારવા લઈ જવાનું શરૂ કર્યું છે.
ઇસરોના સાયન્ટિસ્ટ્સે જણાવ્યું હતું કે પ્રાઇવેટ કંપનીઓ સાથેની ભાગીદારીથી સરકારના સ્પેસ ટૂરિઝમ પ્રોજેક્ટ માટે આયોજન કરવામાં આવશે.