સફળ મૂન મિશન બાદ તરત જ ઇસરો હવે સૂર્ય મિશનને લૉન્ચ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે.
બૅન્ગલોરમાં ગઈ કાલે ઇસરો ટેલિમેટ્રી ટ્રૅકિંગ ઍન્ડ કમાન્ડ નેટવર્કની વિઝિટ દરમ્યાન ઇસરોના ચૅરમૅન એસ. સોમનાથ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. અહીં વડા પ્રધાને આ મિશન વિશે વધુ જાણકારી મેળવી હતી.
બૅન્ગલોર (પી.ટી.આઇ.) ઃ સફળ મૂન મિશન બાદ તરત જ ઇસરો હવે સૂર્ય મિશનને લૉન્ચ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. સૂર્યના સ્ટડી માટેના આદિત્ય-L1 મિશનને બીજી સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવે એવી શક્યતા છે, જેમાં ૧૫ લાખ કિલોમીટરની જર્ની ૧૨૭ દિવસમાં પૂરી કરવામાં આવશે. આ મિશનને પીએસએલવી રૉકેટથી લૉન્ચ કરવામાં આવશે. આદિત્ય-L1 ભારતનું પહેલું સોલર મિશન છે. આ મિશનને સંબંધિત સૌથી મહત્ત્વનો પેલોડ વિઝિબલ લાઇન એમિસન કોરોનાગ્રાફ (વીઈએલસી) છે. આ પેલોડને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોફિઝિક્સે તૈયાર કર્યો છે.
આદિત્ય-L1 સ્પેસક્રાફ્ટને ધરતી અને સૂર્યની વચ્ચે L1 ઑર્બિટમાં રાખવામાં આવશે એટલે કે સૂર્ય અને ધરતીની સિસ્ટમની વચ્ચે હાજર પહેલું લેરેંજિયન પૉઇન્ટ. આ પૉઇન્ટ વાસ્તવમાં અવકાશનું પાર્કિંગ સ્પેસ છે, જ્યાં અનેક સૅટેલાઇટ્સ તહેનાત કરવામાં આવ્યા છે. અહીંથી એ સૂર્યનો સ્ટડી કરશે. વીઈએલસી પેલોડના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર રાઘવેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે આ પેલોડમાં ઇન્સ્ટૉલ કરવામાં આવેલા કૅમેરા સૂર્યની હાઇરેઝૉલ્યુશન ઇમેજીસ મેળવશે.
સ્ટુડન્ટ્સ માટે હૅકેથૉન અને ક્વીઝ કૉમ્પિટિશન યોજાશે
વડા પ્રધાને કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે ઇસરો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો મળીને ગવર્નન્સમાં સ્પેસ ટેક્નૉલૉજી પર નૅશનલ હૅકેથૉનનું આયોજન કરે. જેમાં યંગસ્ટર્સ અને યુનિવર્સિટીઝ જોડાય. હું એક ટાસ્ક સ્ટુડન્ટ્સને આપવા ઇચ્છું કે ભારતીય શાસ્ત્રોમાં ખગોળીય સૂત્રો છે એને સાયન્ટિફિક પુરવાર કરો અને નવી રીતે રિસર્ચ કરો. આપણા ચન્દ્રયાન મિશનને લઈને ક્વીઝ કૉમ્પિટિશન લૉન્ચ કરાશે.
ADVERTISEMENT
આ છે મહત્ત્વનાં પેલોડ્સ
૧) સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર ઃ સૂર્યમાંથી નીકળતી સૉફ્ટ એક્સ-રે કિરણોનો સ્ટડી કરશે.
૨) આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ ઃ એ સોલર પવનો, પ્રોટોન્સનો સ્ટડી કરશે.
૩) પ્લાઝમા એનલાઇઝર પૅકેજ ફૉર આદિત્ય ઃ એ સૂરજની હવાઓમાં રહેલા ઇલેક્ટ્રૉન્સનો સ્ટડી કરશે.
૪) ઍડ્વાન્સ્ડ ટ્રાઈ-એક્સિયલ હાઈ રેઝૉલ્યુશન ડિજિટલ મેગ્નેટોમીટર્સ ઃ એ મેગ્નેટિક ફીલ્ડનો સ્ટડી કરશે.