ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈને કારણે ઍરલાઇન કંપનીઓને તેમની ફ્લાઇટોનાં ઑપરેશન કરવામાં મુશ્કેલી પડી રહી
પ્રતીકાત્મક તસવીર. તસવીર: મિડ-ડે
ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ ઈરાન પર શક્ય એટલા પ્રતિબંધો મૂકવાની માગણી ઇઝરાયલે કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ઇઝરાયલના ઍમ્બૅસૅડર ગિલાડ એર્ડને માગણી કરી હતી કે ‘ઈરાનના હુમલા બાદ એના પર શક્ય એટલા પ્રતિબંધો મૂકવામાં આવે. અમે માગણી કરીએ છીએ કે ઈરાને કરેલી હરકત માટે મોડું થઈ જાય એ પહેલાં એની સામે પગલાં લેવાની જરૂર છે. બધા દેશોએ એની સામે પ્રતિબંધો મૂકવા જોઈએ.’
જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઈરાનના પ્રતિનિધિ આમિર સઈદે કહ્યું હતું કે ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવામાં નિષ્ફળ રહ્યું છે. ઇઝરાયલે સિરિયામાં અમારી કૉન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો. અમને પણ અમારા બચાવમાં પ્રતિકાર કરવાનો અધિકાર છે અને અમારી પાસે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અમને યુદ્ધ જોઈતું નથી. જોકે અમારા પર હુમલો થશે તો એનો વળતો જવાબ આપવામાં આવશે.’
૧.૧૭ લાખ કરોડ રૂપિયાની મદદ
અમેરિકા ઇઝરાયલને આશરે ૧.૧૭ લાખ કરોડ રૂપિયાની મદદ કરશે. આ માટે પ્રેસિડન્ટ જો બાઇડને સંસદ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો છે.
ઍરલાઇન ઇન્ડસ્ટ્રીને મુશ્કેલી
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈને કારણે ઍરલાઇન કંપનીઓને તેમની ફ્લાઇટોનાં ઑપરેશન કરવામાં મુશ્કેલી પડી રહી છે. યુરોપ અને એશિયા વચ્ચે ફ્લાઇટ ઑપરેટ કરતી ઍર ઇન્ડિયા, ક્વૉન્ટાસ, લુફ્થાન્સા અને યુનાઇટેડ ઍરલાઇન્સે ગયા બે દિવસમાં તેમની ઘણી ફ્લાઇટો રદ કરી છે. ૨૦૦૧માં ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં ટ્વિન ટાવર્સ પર થયેલા હુમલા બાદ પહેલી વાર એક દિવસમાં મોટી સંખ્યામાં ફ્લાઇટો રદ કરવામાં આવી.
૧૭ ક્રૂ મેમ્બરોને મળશે ભારતીય અધિકારી
ઈરાને શનિવારે ઇઝરાયલના અબજપતિની કંપનીના માલવાહક જહાજને જપ્ત કર્યું છે અને એમાં ૧૭ ભારતીય ક્રૂ મેમ્બરો છે. તેમને છોડાવવા માટે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે ઈરાનના વિદેશપ્રધાન સાથે વાતચીત કરી હતી. હવે આ ક્રૂ મેમ્બરોને મળવા માટે ઈરાને પરવાનગી આપતાં ભારતીય અધિકારીઓ આ ક્રૂ મેમ્બરોને મળશે. જયશંકરે કહ્યું હતું કે ઈરાન અને ઇઝરાયલે શાંતિ અને રાજનૈતિક ચર્ચાથી આ મુદ્દે ઉકેલ લાવવો જોઈએ.