ચીનના લોકોમાં રહેલા ભારે આક્રોશને જોઈને ધ્યાન ડાઇવર્ટ કરવા પ્રેસિડન્ટ જિનપિંગની સેનાએ ભારતીય સીમામાં અતિક્રમણ કરવાની કોશિશ કરી અને અમેરિકા સાથે ભારતે યુદ્ધાભ્યાસ કર્યો હોવાથી પણ ડ્રૅગન અકળાયું હોવાનું કહેવાય છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
તિબેટના ધર્મગુરુ દલાઈ લામા સૌથી પહેલાં ૨૦૧૭માં તવાંગ પહોંચ્યા હતા, જેનાથી ચીન અકળાયું હતું
જૂન ૨૦૨૦ પછી ચીને ફરી ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનું દુઃસાહસ કર્યું છે. આ વખતે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. જોકે ભારતીય સૈનિકોએ એનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તવાંગ વાસ્તવમાં ચીનની દુખતી નસ છે. તવાંગની પાસે યાંગત્સેમાં તાજેતરમાં આ ઘટના બની હતી. તવાંગ પર દશકાઓથી ચીનનો ડોળો છે, પરંતુ હાલ આવી હરકત શા માટે કરી? આ સવાલનો જવાબ એટલો સરળ નથી. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ પોતાના દેશમાં ઘેરાયા છે. તેઓ સરહદે તનાવ વધારીને સત્તા પર પોતાની પકડ મજબૂત કરવા ઇચ્છે છે. જેથી સ્થાનિક સમસ્યાઓથી લોકોનું ધ્યાન ડાઇવર્ટ થાય. વળી, તાજેતરમાં ભારત અને અમેરિકાની આર્મીએ ઉત્તરાખંડના ઔલીમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. ચીને એની સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. એટલે એને કારણ પણ મળી ગયું.
ADVERTISEMENT
૧૭,૦૦૦ ફુટની ઊંચાઈએ આવેલા યાંગત્સે તવાંગનો એક ભાગ છે કે જેના પર ૧૯૬૨ના યુદ્ધ પછીથી જ ચીનની કુદૃષ્ટિ રહી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી હંમેશાંથી યાંગત્સેને ટાર્ગેટ બનાવવાની કોશિશમાં હતી.
ઇતિહાસ સાથે ખાસ નાતો
તવાંગ મામલે ચીનની મહત્ત્વાકાંક્ષાને સમજવા માટે અંગ્રેજોના શાસન તરફ નજર કરવી પડે. જ્યાં સુધી ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યાં સુધી ચીન મૅક્મોહન રેખાને લઈને એકદમ મૌન હતું. અંગ્રેજોના શાસન દરમ્યાન જ્યારે બ્રિટન અને તિબેટ વચ્ચે સરહદ નિર્ધારણને લઈ ‘શિમલા સંમેલન’ યોજાયું ત્યારે સર હેન્રી મૅક્મોહન કરાર કરાવનારા મુખ્ય વ્યક્તિ હતા. આ કારણે જ એ રેખા મૅક્મોહન રેખા તરીકે જાણીતી છે. શિમલા સમજૂતી દરમ્યાન બ્રિટન, ચીન અને તિબેટ અલગ-અલગ પાર્ટી તરીકે સામેલ થયા હતા. ભારતીય સામ્રાજ્યના તત્કાલીન વિદેશ સચિવ હેન્રી મૅક્મોહને બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે ૮૯૦ કિલોમીટર લાંબી સરહદ નિર્ધારિત કરી હતી, જેમાં તવાંગ (અરુણાચલ પ્રદેશ) બ્રિટિશ ભારતનો હિસ્સો ગણાયું હતું. જોકે ભારતને સ્વતંત્રતા મળતાં ચીન અસ્વસ્થ થયું. ઇતિહાસમાં એવી કોઈ ઘટના નથી કે જેનાથી પુરવાર થઈ શકે કે અરુણાચલ પ્રદેશ એ તિબેટ કે ચીનનો ભાગ છે. ચીન હંમેશાં અરુણાચલ પ્રદેશને બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તનાવનું કારણ બનાવે છે.
આ કારણસર યાંગત્સેની પસંદગી કરી
યાંગત્સે માર્ચ મહિના સુધી બરફથી ઢંકાયેલી રહે છે. આ જગ્યા ભારતીય આર્મી માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વની છે. સોર્સિસ અનુસાર ભારત અને ચીનના ૩૫૦૦ સૈનિકો અહીં તહેનાત રહે છે. સાથે જ ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. બન્ને બાજુ માર્ગોનું સારું નેટવર્ક છે. ચીન બૉર્ડરની નજીક છેલ્લા એક દશકથી અનેક પ્રકારનું બાંધકામ કરી રહ્યું છે. હાઇવેથી લઈને મિલિટરી પોસ્ટ્સ, હેલિપૅડ્ઝ અને મિસાઇલ લૉન્ચિંગ સાઇટ્સ તૈયાર કરાયાં છે. એ બધું જ તવાંગની નજીક જ છે.
ઘૂસણખોરી માટે પૂરેપૂરી તૈયારી હતી
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ઘૂસણખોરી માટે પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. તેમને માત્ર એક તકની પ્રતીક્ષા હતી. જે જગ્યાએ લડાઈ થઈ હતી ત્યાં ગાઢ જંગલ છે. તાજેતરમાં એ વિસ્તારમાં બરફ પડ્યો હતો અને વળી, ઘેરાં વાદળો છવાયાં હતાં, જેનાથી ભારતીય સૅટેલાઇટ્સને ચીનના સૈનિકોના જમાવડાની ઓળખ કરવામાં મુશ્કેલી થઈ હતી.
તવાંગની લડાઈ
૧૯૬૨ના ભારત અને ચીનની વચ્ચેના યુદ્ધમાં ચીને તવાંગને હાંસલ કરવા માટે પૂરેપૂરી કોશિશ કરી હતી. તવાંગનું યુદ્ધ આજે પણ રૂંવાડાં ઊભાં કરી દે છે. એ લડાઈમાં ભારતના લગભગ ૮૦૦ જવાન શહીદ થયા હતા અને ૧૦૦૦ જવાનોને ચીને કેદ કર્યા હતા.