આખા દેશમાં ટ્રેનોને પાટા પરથી ઉતારી પાડવાના સપ્ટેમ્બર મહિનામાં ચાર અને છેલ્લા દોઢ મહિનામાં ૧૫ પ્રયાસ થયા બાદ રેલવેએ લોકોને આપ્યો મેસેજ
શનિવારે રાત્રે કાનપુર નજીક રેલવે-ટ્રૅક પર ગૅસ-સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું
ભારતીય રેલવેની ટ્રેનોને પાટા પરથી ઉતારી પાડવાના સપ્ટેમ્બર મહિનામાં ચાર પ્રયાસ થયા છે અને છેલ્લા દોઢ મહિનામાં આવા ૧૫ પ્રયાસ કરવામાં આવ્યા છે. આથી રેલવેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરની પોસ્ટમાં લખ્યું હતું કે રેલવેના પાટા પર કોઈ પણ પ્રકારની વસ્તુ મૂકવા કે એની સાથે છેડછાડ કરવી એ દંડાત્મક ગુનો છે. આ રેલવે-પ્રવાસીઓની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આથી સમજદાર નાગરિક બનો અને રેલવેના સુરક્ષિત પરિચાલનમાં સહયોગ કરો.
રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે ગયા દોઢ વર્ષમાં વંદે ભારત સહિતની પ્રીમિયમ ટ્રેનો પર પથ્થર ફેંકવાના કે એને નુકસાન પહોંચાડવાના પ્રયાસ થયા છે. ગયા બે મહિનામાં ટ્રેનોને પાટા પરથી ઉતારી દેવા માટેના ૧૫ પ્રયાસો થયા છે. આમાંથી ચાર બનાવ તો સપ્ટેમ્બર મહિનાના પહેલા દસ દિવસમાં નોંધાયા છે. ઑગસ્ટ મહિનામાં પણ આવા ૧૫ બનાવ નોંધાયા હતા. શનિવારે પ્રયાગરાજથી ભિવાની જઈ રહેલી કાલિન્દી એક્સપ્રેસને પાટા પરથી ઉતારી પાડવા માટે કાનપુર નજીક રેલવે-ટ્રૅક પર ગૅસ-સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું. ઘટના સ્થળ નજીક પેટ્રોલ ભરેલી બૉટલો અને માચીસનાં બૉક્સ મળી આવ્યાં હતાં. આના બીજા દિવસે રાજસ્થાનના અજમેર જિલ્લામાં સરધાના અને બાનગડ વચ્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોરમાં ફુલેરા-અમદાવાદ સેક્શનમાં પાટા પર ૭૦ કિલોના સિમેન્ટના બ્લૉક મૂકી દેવાયેલા જોવા મળ્યા હતા. માલગાડી સાથે એ ટકરાયા હતા. આ પહેલાં પાલી જિલ્લામાં અમદાવાદ-જોધપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. પાંચમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં કુર્ડુવાડી રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રૅક નજીક લાકડાં મૂકી દેવાયાં હતાં. જોકે લોકો પાઇલટે આ જોઈને ટ્રેન થોભાવી હતી અને ટ્રેનને પાટા પરથી ખડી પડતાં બચાવી લીધી હતી.
ADVERTISEMENT
આ પહેલાં ૨૦ ઑગસ્ટે સાબરમતી એક્સપ્રેસ કાનપુર નજીક ગોવિંદપુરી રેલવે સ્ટેશન નજીક પાટા પર મૂકવામાં આવેલી કોઈ ભારે ચીજ સાથે ટકરાઈને પાટા પરથી ખડી પડી હતી. વીસ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા, પણ ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ભાંડફોડના પ્રયાસ છે
સુરક્ષા-એજન્સીઓને લાગી રહ્યું છે કે મે ૨૦૨૩થી રેલવે-ટ્રૅક પર કોઈ વસ્તુઓ મળી આવી હોય એવી પચીસ જેટલી ઘટના નોંધાઈ છે અને આ રેલવેમાં ભાંગફોડ કરવાનું કાવતરું લાગે છે.