હાલમાં સ્પેસવૉક કરીને સ્ટારલાઇનરની ખામી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે
સુનીતા વિલિયમ્સ
ભારતીય મૂળની ઍસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાઈ ગઈ છે. પાંચમી જૂને સુનીતા અને તેમના સાથી બોઇંગ કંપનીએ વિકસાવેલા સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં આકાશમાં ગયાં હતાં અને એક અઠવાડિયું ISSમાં વિતાવ્યા બાદ તેઓ ૧૪ જૂને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પણ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ ખરાબીના પગલે તેમની વાપસી ટાળી દેવામાં આવી હતી. હાલમાં સ્પેસવૉક કરીને સ્ટારલાઇનરની ખામી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને શક્ય છે કે બીજી જુલાઈએ આ સ્પેસક્રાફ્ટની વાપસી થઈ શકે.
શું છે ખામી?
ADVERTISEMENT
એન્જિનિયરોને સ્ટારલાઇનરમાં હીલિયમ લીકેજ જેવી ઘણી ખામી મળી આવી છે. એની પહેલી ઉડાન સફળ રહી હતી, પણ પચીસ કલાકની આ ફ્લાઇટમાં એન્જિનિયરોને સ્પેસશિપના થ્રસ્ટર સિસ્ટમમાં પાંચ સ્થળે હીલિયમ લીકેજ જોવા મળતાં વાપસીની ફ્લાઇટ કૅન્સલ કરાઈ હતી. આ ખામીની નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ એજન્સી) અને બોઇંગ બેઉને ખબર હતી, પણ આ ખામી તેમણે નાની માની હતી. ૭ મેએ લૉન્ચ થનારા આ મિશનને પાંચ જૂન સુધી ટાળવામાં આવ્યું હતું.
ઇલૉન મસ્કની મદદ લેવાશે?
સ્ટારલાઇનરની ફ્યુઅલ કૅપિસિટી ૪૫ દિવસની છે અને મિશનમાં ૧૮ દિવસ પૂરા થયા છે અને ૨૭ દિવસનું ફ્યુઅલ બચ્યું છે. હાલમાં નાસા અને બોઇંગ બેઉ ઍસ્ટ્રોનૉટ્સને સફળતાપૂર્વક પૃથ્વી પર લાવવાની કોશિશમાં છે. બની શકે કે નાસા નવું રૉકેટ છોડી શકે છે અથવા સ્પેસએક્સના ઇલૉન મસ્કની મદદ લઈ શકે છે.