ભારત સરકારના એજન્ટો લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે મળીને કામ કરતા હોવાનો કૅનેડા-પોલીસનો દાવો
જસ્ટિન ટ્રુડો (વચ્ચે), એફએમ મેલાની જોલી (ડાબે) અને જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્ક
ભારતે સોમવારે કૅનેડાના છ ડિપ્લોમૅટ્સને બરતરફ કર્યા બાદ બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વણસ્યા છે. એવામાં કૅનેડાની રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)એ દાવો કર્યો
હતો કે ભારત સરકારના એજન્ટો ક્રિમિનલોનો ઉપયોગ કરીને કૅનેડામાં ખાલિસ્તાનતરફી સાઉથ એશિયનોને ટાર્ગેટ કરે છે. આ પ્રકારનો દાવો કમિશનર માઇક દુહેને અને તેના ડેપ્યુટી બ્રિગિટ ગૌવિને કર્યો છે.
આ મુદ્દે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં ગૌવિને કહ્યું હતું કે ‘ભારત સરકાર કૅનેડામાં સાઉથ એશિયન કૉમ્યુનિટીને ટાર્ગેટ કરે છે અને એમાંય ખાસ કરીને કૅનેડામાં રહેતા ખાલિસ્તાન તરફનાં તત્ત્વોને એ ખાસ લક્ષ્ય બનાવે છે. RCMPના દૃષ્ટિકોણથી જોઈએ તો ભારત ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમમાં સામેલ તત્ત્વોનો ઉપયોગ કરે છે. અમારું માનવું છે કે બિશ્નોઈ ગૅન્ગના લોકો ભારત સરકારના એજન્ટો સાથે સંકળાયેલા છે.’
ADVERTISEMENT
શું ભારત સરકારના એજન્ટો સામે માનવહત્યા, ખંડણી, ધાકધમકી અને બળજબરીનો આરોપ છે એવા સવાલના જવાબમાં દુહેનેએ ‘હા’માં જવાબ આપ્યો હતો. આ બે ઑફિસરોએ દાવો કર્યો હતો કે કેટલોક રાજદ્વારી સ્ટાફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ તત્ત્વો સાથે કામ કરે છે અને કૅનેડિયન નાગરિકો વિશેની વિગતો મેળવે છે. એ પછી તેઓ આ માહિતી ક્રિમિનલોને પહોંચાડે છે અને તેઓ ખંડણીથી મર્ડર સુધીનાં કામ કરે છે.
મુંબઈમાં રાજકીય નેતા બાબા સિદ્દીકીની હત્યા-કેસમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનું નામ આવતાં કૅનેડાએ આવો દાવો કર્યો હોવાનું મનાય છે. જોકે ભારત સરકારે કૅનેડાના આ દાવાને ફગાવી દીધો હતો.