આ કટ્ટરવાદી બે લેક્ચર્સ આપવા માટે ૨૩મી માર્ચે ઓમાન જવાનો છે, ઇન્ડિયન ઇન્ટેલિજન્સ અધિકારીઓએ પહેલાં જ તેને પકડવા માટે જાળ બિછાવી દીધી છે
ઝાકિર નાઈક
કટ્ટરવાદી ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક હવે ભારતીય તપાસ એજન્સીઓની પકડમાં આવી શકે છે. ઝાકિરને ઓમાનમાંથી ભારતમાં લાવવામાં આવી શકે છે. તે ૨૩મી માર્ચે ઓમાન જવાનો છે. એ દરમ્યાન તેને કસ્ટડીમાં લેવા માટે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓ ઓમાનના અધિકારીઓના સંપર્કમાં છે.
ઝાકિરને ઓમાનમાં બે લેક્ચર આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનું પહેલું લેક્ચર ‘ધ કુરાન અ ગ્લોબલ નેસેસિટી’ પર છે. જેનું ઓમાનના ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જે ૨૩મી માર્ચે છે. બીજું લેક્ચર ‘પયગંબર મોહમ્મદ-માણસો માટે માનવજાત માટે દયા’ પર છે જે ૨૫મી માર્ચે સાંજે સુલતાન કબૂસ યુનિવર્સિટીમાં છે.
ADVERTISEMENT
ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાં સ્થાનિક કાયદા હેઠળ ઝાકિરને કસ્ટડીમાં લઈને એ પછી ભારતમાં દેશનિકાલ કરવા માટે એજન્સીઓના સંપર્કમાં છે. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓના સોર્સિસે જણાવ્યું હતું કે એ વાતની ખૂબ શક્યતા છે કે સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમની વિનંતીનો અમલ કરીને ઝાકિરને કસ્ટડીમાં લેવામાં આવે. ઇન્ડિયન એજન્સીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ વધુ કાર્યવાહી માટે લીગલ ટીમ મોકલવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. વિદેશ મંત્રાલય દ્વારા ઓમાનના રાજદૂત સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એ જ રીતે ઓમાનમાં ભારતીય રાજદૂતે પણ ઓમાનના વિદેશ મંત્રાલય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ઝાકિર પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો, મની લૉન્ડરિંગ તેમ જ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપો હેઠળ તેને વૉન્ટેડ જાહેર કરાયો છે. તે મલેશિયા ભાગી ગયો હતો અને એ પછી તેણે ત્યાંની નાગરિકતા મેળવી હતી.

