યુનિવર્સિટીનાં કૅમ્પસિસમાં અને કૉન્ગ્રેસ દ્વારા બીબીસીની વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીનું સતત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ગુરુવારે હૈદરાબાદની યુનિવર્સિટીના કૅમ્પસમાં આયોજિત વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ દરમ્યાન સ્ટુડન્ટ્સ.
બીબીસીની ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા ઃ ધ મોદી ક્વેશ્ચન’નો વિવાદ સતત વધી રહ્યો છે. હવે દેશની યુનિવર્સિટીઓનાં કૅમ્પસિસ સુધી આ વિવાદ પહોંચ્યો છે.
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ગુરુવારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો પર આધારિત આ વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું. બીજી તરફ એબીવીપીએ એ જ કૅમ્પસમાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’ બતાવી હતી.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં ‘ધ ફ્રેટર્નિટી મૂવમેન્ટ’ નામના સ્ટુડન્ટ્સના એક ગ્રુપે આ પહેલાં ૨૧ જાન્યુઆરીએ પણ આ ડૉક્યુમેન્ટરીનું યુનિવર્સિટીના કૅમ્પસમાં કોઈ પરમિશન વિના સ્ક્રીનિંગ કર્યું હતું.
કલકત્તાની યુનિવર્સિટીમાં પણ સ્ક્રીનિંગ
કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીમાં પણ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ગુરુવારે સાંજે આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
કૉન્ગ્રેસ દ્વારા સ્ક્રીનિંગ
કેરલા કૉન્ગ્રેસ દ્વારા તિરુવનંતપુરમમાં સામાન્ય લોકો માટે શંઘુમુઘમ બીચ પર પીએમ મોદી પરની બ્લૉક કરવામાં આવેલી આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેના પહેલાં પ્રદેશ કૉન્ગ્રેસનાં મુખ્યાલયોમાં પાર્ટીના કાર્યકરોને આ ડૉક્યુમેન્ટરી બતાવાઈ હતી.