ગેમ્બિયામાં ૬૬ બાળકોનાં મૃત્યુને પગલે અલર્ટ બાદ ભારતે ચાર કફ સિરપની તપાસ શરૂ કરી, મેડન ફાર્માસ્યુટિકલ્સે કર્યો બચાવ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ગૅમ્બિયાએ આ ‘વાંધાજનક’ કફ અને કોલ્ડ સિરપ્સને કલેક્ટ કરવા માટે ડોર-ટુ-ડોર કૅમ્પેન શરૂ કર્યું છે
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની વૉર્નિંગ બાદ કેન્દ્ર સરકારે હરિયાણાસ્થિત ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા નિર્મિત ચાર કફ સિરપની તપાસ શરૂ કરી છે. ડબ્લ્યુએચઓએ વૉર્નિંગ આપતાં જણાવ્યું હતું કે ગેમ્બિયામાં ૬૬ બાળકોનાં મૃત્યુ માટે આ ચાર કફ સિરપ જવાબદાર હોઈ શકે છે.
ADVERTISEMENT
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં ટોચનાં સૂત્રો અનુસાર ડબ્લ્યુએચઓએ ૨૯ સપ્ટેમ્બરે આ કફ સિરપ વિશે ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)ને અલર્ટ કરી હતી. ડીસીજીઆઇએ તરત જ આ બાબતે તપાસ શરૂ કરી હતી.
આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ડબ્લ્યુએચઓએ હજી સુધી મૃત્યુ પામનારાં દરેક બાળકના મૃત્યુના આ સિરપ સાથેના ચોક્કસ સંબંધ કે ક્યારે આ બાળકોનાં મૃત્યુ થયાં હતાં એની કોઈ વિગત હજી સુધી પૂરી પાડી નથી.
હરિયાણાના સોનેપતમાં મેડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા આ કફ સિરપનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીની માહિતી અનુસાર આ કંપનીએ માત્ર ગેમ્બિયામાં જ આ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી. જોકે ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે આ સિરપ્સને કદાચ ગેમ્બિયા સિવાયના બીજા દેશોમાં પણ મોકલવામાં આવી હોઈ શકે છે.
મેડન ફાર્માસ્યુટિકલ્સના ડિરેક્ટર નરેશકુમાર ગોયલે કહ્યું કે ‘આજે સવારે જ વિગતો બહાર આવી હોવાથી અમે સ્થિતિ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે બાયર સાથે મળીને ચોક્કસ શું બન્યું હતું એની વિગતો મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે ભારતમાં કોઈ પણ વેચાણ કરતા નથી.’
મેડન ફાર્માસ્યુટિકલ્સના અન્ય ડિરેક્ટર વિવેક ગોયલે કહ્યું કે ‘અમને ભારતીય ઑથોરિટીઝ તરફથી કોઈ માહિતી કે સૂચના મળી નથી. અમે ભારત સરકાર તરફથી ઍનૅલિસિસ રિઝલ્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. અમે એને અનુરૂપ આગળ પગલાં લઈશું. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં કોઈ મૃત્યુનો ઉલ્લેખ નથી. કોઈ પણ કારણ વિના અમને બદનામ કરવામાં આવી રહ્યા છે.’
ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ એધનોમ ગેબ્રેયેસસના બુધવારના નિવેદનમાં પશ્ચિમ આફ્રિકાના દેશ ગેમ્બિયામાં ૬૬ બાળકોનાં મૃત્યુ અને કિડનીને નુકસાન પહોંચાડવાની ઘટનાઓને ચાર કફ અને કોલ્ડ સિરપની સાથે જોડવામાં આવી છે. આ ચાર પ્રોડક્ટ્સમાં પ્રોમીથેઝાઇન ઓરલ સૉલ્યુશન, કોફેક્સમેલિન બેબી કફ સિરપ, મેકઓફ બેબી કફ સિરપ અને મેગ્રિપ એન કોલ્ડ સિરપનો સમાવેશ થાય છે.
કેવી રીતે આ દવા દૂષિત થઈ?
ડબ્લ્યુએચઓના અલર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ પ્રોડક્ટ્સનાં સૅમ્પલ્સના લૅબોરેટરી ઍનૅલિસિસથી કન્ફર્મ થાય છે કે એમાં ડાઇઇથિલીન ગ્લાયકૉલ અને ઇથિલીન ગ્લાયકૉલનું અસ્વીકાર્ય પ્રમાણ છે, જેના લીધે એ દૂષિત થઈ જાય છે. આ પદાર્થો માણસો માટે ઝેરી છે અને પ્રાણઘાતક પણ પુરવાર થઈ શકે છે. એનાથી પેટમાં દુખાવો, ઊલટી, ઝાડા, માથાનો દુખાવો અને કિડનીને નુકસાન થઈ શકે છે.