ભારતની વસ્તી અત્યારે ૧૪૨.૮૬ કરોડ છે, જ્યારે ચીનની હવે વસ્તી ૧૪૨.૫૭ કરોડ છે; જ્યાં સુધી અર્થતંત્રની વાત છે તો એક્સપર્ટ્સ અનુસાર ઇન્ડિયાએ હજી ખાસ્સી મજલ કાપવાની છે
કલકત્તામાં ગઈ કાલે નવા માર્કેટમાં મુલાકાતીઓની ભીડ. આ ભીડમાં રહેલી પ્રત્યેક વ્યક્તિ વાસ્તવમાં વિકાસ માટેની એક સંભાવના છે.
ભારત હવે ચીનને પાછળ છોડીને દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. સંયુક્ત રાષ્ટ્રના લેટેસ્ટ ડેટા અનુસાર ભારતની વસ્તી અત્યારે ૧૪૨.૮૬ કરોડ છે, જ્યારે ચીનની હવે વસ્તી ૧૪૨.૫૭ કરોડ છે. આ રીતે એ વસ્તીની દૃષ્ટિએ બીજા નંબરનો દેશ બન્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ પૉપ્યુલેશન ડૅશ બોર્ડમાં એ રજૂ કરવામાં આવ્યું છે.
જુદી-જુદી એજન્સીઓના અંદાજ અનુસાર ભારતની વસ્તી આગામી ત્રણ દશક સુધી વધ્યા કરશે, એ ૧૬૫ કરોડની પીક પર પહોંચશે એ પછી વસ્તી ઘટવાની શરૂઆત થશે.
ADVERTISEMENT
ભારતમાં રાજ્યદીઠ વસ્તીના મામલે સ્થિતિ અલગ-અલગ છે. કેરલા અને પંજાબમાં વૃદ્ધ લોકોની વસ્તી વધારે છે, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં યુવાઓની વસ્તી વધારે છે. સવાલ એ છે કે વસ્તી બાદ હવે ભારત ઇકૉનૉમીના મામલે ચીનને પાછળ છોડી શકે છે?
યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડમાં ઇન્ડિયા માટેના પ્રતિનિધિ અને ભુતાન માટેના કન્ટ્રી ડિરેક્ટર એન્દ્રા વોજનરે કહ્યું હતું કે ‘ભારતે ૧.૪ અબજ લોકોને ૧.૪ અબજ તક તરીકે જ જોવા જોઈએ. દેશમાં ૨૫.૪૦ કરોડ યુવાનો (૧૫થી ૨૪ વર્ષની ઉંમર) છે ત્યારે તેઓ ઇનોવેશન, નવી વિચારસરણી અને ટકાઉ ઉકેલો માટેનો એક સોર્સ બની શકે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘જો મહિલાઓ અને બાળકીઓને શિક્ષણ તેમ જ સ્કિલ્સ ડેવલપ કરવા માટેની સમાન તક, ટેક્નૉલૉજી અને ડિજિટલ ઇનોવેશન્સ માટેની સમાન પહોંચ તેમ જ સૌથી મહત્ત્વનું બાળકને જન્મ આપવાના સંબંધમાં તેને પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવે તો ભારત વધુ પ્રગતિ કરી શકે છે.’
પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂનમ મુત્તરેજાએ કહ્યું હતું કે ‘અર્થતંત્રમાં યોગદાન આપવા માટે યુવાનોમાં ખૂબ જ ક્ષમતા છે. જોકે એના માટે ભારતે ન ફક્ત એજ્યુકેશન; પરંતુ આરોગ્ય, પોષણ અને રોજગાર મળી રહે એવી સ્કિલ્સ પૂરી પાડવાની જરૂર છે.’
ચીન માટે ઘટતી વસ્તી અને વૃદ્ધોની વધતી વસ્તીને કારણે આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવી મુશ્કેલ છે. આ પહેલાંના દશકાઓમાં ચીને નિકાસ પર ખૂબ જ ફોકસ કરીને આર્થિક વૃદ્ધિ કરી હતી. ભારત હજી સુધી એ માર્ગ પર ખાસ પ્રગતિ કરી શક્યું નથી.
છેલ્લા કેટલાક દશકાઓમાં ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે. જોકે ચીન કરતાં ભારત હજી ઘણું પાછળ છે. જેને કારણે ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ મેળવવાના પ્રયાસો પર અસર થાય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે દર પાંચમાંથી એક જ ભારતીય મહિલા ઔપચારિક ક્ષેત્રમાં કામ કરે છે. જે દર બીજા દેશોની સરખામણીમાં ખાસ્સો ઓછો છે.
મુખ્ય અર્થતંત્રોમાં ભારત આ વર્ષે સૌથી વધુ વૃદ્ધિદર મેળવશે એવો અંદાજ છે. વર્લ્ડ બૅન્ક અનુસાર નવા નાણાકીય વર્ષમાં ભારત ૬.૩ ટકાનો વૃદ્ધિ દર મેળવે એવી શક્યતા છે.
ચીનમાં આર્થિક અને ડિપ્લોમૅટિક સ્તરે મૅન્યુફૅક્ચરર્સને પડતી મુશ્કેલીઓનો લાભ ભારત લઈ શકે છે. જેનું ઉદાહરણ એ છે કે અત્યારે ઍપલના આઇફોન્સનું તામિલનાડુ અને કર્ણાટકમાં ઍસેમ્બલ થઈ રહ્યું છે.
ભારતના ૨૬ ટકા લોકો ૧૦થી ૨૪ વર્ષના વયજૂથમાં
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતની ૨૫ ટકા વસ્તીની ઉંમર ૧૪ વર્ષ કે એનાથી ઓછી છે. ૧૮ ટકા ૧૦થી ૧૯ વર્ષના એજ ગ્રુપમાં, ૨૬ ટકા ૧૦થી ૨૪ વર્ષના વયજૂથમાં, ૬૮ ટકા ૧૫થી ૬૪ વર્ષના એજ ગ્રુપમાં અને સાત ટકાની ઉંમર ૬૫ વર્ષથી વધુ છે.