ખૂબ ઓછી ઊંચાઈએ હાઈ સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને તોડવાના સફળ પરીક્ષણના પગલે શસ્ત્રપ્રણાલીના વાસ્તવિક ઉપયોગનો માર્ગ મોકળો થયો છે.
આકાશ-એનજી મિસાઇલનું સફળતાપૂર્વક હવાઈ પરીક્ષણ
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ભારતે ગઈ કાલે ઓડિશાના દરિયાકાંઠે નવી પેઢીના આકાશ-એનજી મિસાઇલનું સફળતાપૂર્વક હવાઈ પરીક્ષણ કર્યું હતુ. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચાંદીપુર ખાતેની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સવારે સાડાદસે આકાશ-એનજી મિસાઇલની ટેસ્ટ કરાઈ એમાં ખૂબ ઓછી ઊંચાઈએ હાઈ સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યને તોડવાના સફળ પરીક્ષણના પગલે શસ્ત્રપ્રણાલીના વાસ્તવિક ઉપયોગનો માર્ગ મોકળો થયો છે. આકાશ-એનજીની ૮૦ કિ.મી.ની રેન્જ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ પરીક્ષણ દરમ્યાન લક્ષ્યને હથિયાર સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક અટકાવી એનો નાશ કરવામાં આવ્યો હતો.
આકાશ-એનજીની ફ્લાઇટ ટેસ્ટ ડીઆરડીઓ, ભારતીય ઍરફોર્સ, ભારત ડાયનૅમિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ફ્લાઇટ ટેસ્ટ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ), ભારતીય વાયુસેના અને સંબંધિત જાહેર ક્ષેત્રના ઉપક્રમોની પ્રશંસા કરી હતી.