આ ડ્રોનની ડિલિવરી આગામી ચાર વર્ષમાં શરૂ થશે અને છ વર્ષમાં એ પૂર્ણ થશે
પ્રતીકાત્મક તસવીર
ભારતની મિલિટરી તાકાત વધારી શકે એવા એક સોદામાં ભારતે ગઈ કાલે અમેરિકા પાસેથી ૩૧ પ્રિડેટર MQ-9B ગાર્જિયન ડ્રોન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ૩૨,૦૦૦ કરોડ રૂપિયાના આ સોદામાં મળનારાં ૩૧ ડ્રોન પૈકી ૧૫ નેવીને અને ૮-૮ ડ્રોન આર્મી અને ઍર ફોર્સને આપવામાં આવશે.
કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીએ ગઈ કાલે આ સોદાને મંજૂરી આપી હતી. આ ડ્રોનની ડિલિવરી આગામી ચાર વર્ષમાં શરૂ થશે અને છ વર્ષમાં એ પૂર્ણ થશે. નેવીને મળનારાં ૧૫ ડ્રોન સીગાર્ડિયન વેરિયન્ટનાં રહેશે, જ્યારે આર્મી અને ઍર ફોર્સને સ્કાયગાર્ડિયન પ્રિડેટર ડ્રોન મળશે. અમેરિકાની જનરલ ઍટોમિક્સ ઍરોનૉટિકલ સિસ્ટમ્સ દ્વારા આ ડ્રોન તૈયાર કરવામાં આવ્યાં છે.
આ ડ્રોન ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ૪૦ કલાક સુધી ઊડી શકે છે અને એમાં ૨૧૫૫ કિલોનો પેલોડ મોકલી શકાય છે. સર્વેલન્સની સાથે એ મિસાઇલ પણ છોડી શકે છે. એનું ટેક-ઑફ અને લૅન્ડિંગ ઑટોમૅટિક છે.
ADVERTISEMENT
ક્યાં તહેનાત થશે?
એવું જાણવા મળે છે કે નેવી એનાં ૧૫ ડ્રોન સમુદ્રકિનારા પર ચાલતી ગતિવિધિનું નિરીક્ષણ કરવા તહેનાત કરશે. આ સિવાય ચેન્નઈ, પોરબંદર, ગોરખપુર અને સરસાવા બેઝ પર ૪ ડ્રોન રાખવામાં આવશે. બીજાં ડ્રોન પાકિસ્તાન અને ચીનની સરહદે તહેનાત કરવામાં આવશે.