ભારત ૨૦૨૨માં દુનિયાનો આઠમો સૌથી વધુ પ્રદૂષિત દેશ હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
નવી દિલ્હીઃ ભારત ૨૦૨૨માં દુનિયાનો આઠમો સૌથી વધુ પ્રદૂષિત દેશ હતો. પીએમ ૨.૫ લેવલ ઘટીને ૫૩.૩ માઇક્રોગ્રામ્સ-ક્યુબિક મીટર થયું છે. જોકે એમ છતાં એ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની સેફ લિમિટ કરતાં દસ ગણાથી વધારે છે. પીએમ ૨.૫ લેવલ એ હવાની ગુણવત્તા માટેનો એક માપદંડ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દુનિયાનાં ૫૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોના લિસ્ટમાં ૩૯ ભારતમાં છે.
૧૩૧ દેશો પાસેથી ડેટા મેળવવામાં આવ્યા છે. સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતનાં શહેરોનું વધુ સ્થાન છે. આ લિસ્ટમાં ૭૩૦૦ સિટીઝ છે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં લાહોર અને ચીનમાં હોતાન એ ટોચનાં બે સૌથી વધુ પ્રદૂષિત શહેરો છે. જેના પછી રાજસ્થાનનું ભિવાડી આવે છે, જ્યારે દિલ્હી ચોથા નંબરે છે. દિલ્હીમાં પીએમ ૨.૫નું લેવલ ૯૨.૬ માઇક્રોગ્રામ્સ છે જે સેફ લિમિટ કરતાં લગભગ ૨૦ ગણું વધારે છે.
આ પણ વાંચો: હવે તો શ્વાસ લેવામાં પણ ખતરો! વિશ્વમાં 1 ટકાથી પણ ઓછી શુદ્ધ હવા,અભ્યાસમાં ખુલાસો
ટૉપ ૧૦માં છ ભારતીય શહેરો, ટૉપ ૨૦માં ૧૪, ટૉપ ૫૦માં ૩૯, જ્યારે ટૉપ ૧૦૦માં ૬૫ ભારતીય શહેરો સામેલ છે. દિલ્હી અને નવી દિલ્હી બન્ને ટૉપ ૧૦માં સામેલ છે. જોકે સારી બાબત એ છે કે દિલ્હી બાજુનાં શહેરો-ગુરુગ્રામ, નોએડા, ગાઝિયાબાદ અને ફરિદાબાદમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. જોકે ઇન્ડિયાની ઍવરેજ કરતાં આ શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે.
રસપ્રદ વાત એ છે કે ૩૧ ભારતીય શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું છે, જેમાંથી દસ શહેરો ઉત્તર પ્રદેશનાં, જ્યારે સાત હરિયાણાનાં છે. જોકે બીજી તરફ ૩૮ શહેરો અને ટાઉન્સમાં આ પહેલાંનાં વર્ષોની ઍવરેજની સરખામણીમાં પ્રદૂષણનો સ્તર વધ્યો છે.