આ પહેલાં પરંપરાગત રીતે ભારતની ન્યુક્લિયર સ્ટ્રૅટેજીના કેન્દ્રસ્થાને પાકિસ્તાન જ રહેતું હતું, પણ હવે ચીન પર પણ વધારે ફોકસ આપવામાં આવી રહ્યું હોય એમ જણાય છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
નવી દિલ્હી : ભારત પોતાની પરમાણુ સૈન્ય સામગ્રીને સતત અપગ્રેડ કરી રહ્યું છે. આ પહેલાં પરંપરાગત રીતે ભારતની ન્યુક્લિયર સ્ટ્રૅટેજીના કેન્દ્રસ્થાને પાકિસ્તાન જ રહેતું હતું, પણ હવે ચીન પર પણ વધારે ફોકસ આપવામાં આવી રહ્યું હોય એમ જણાય છે. ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના એક રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર દેશના અત્યારનાં પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ ઍરક્રાફ્ટ અને સબમરીનથી લૉન્ચ થતી મિસાઇલને રિપ્લેસ કે અપગ્રેડ કરવા માટે ઓછામાં ઓછી ચાર નવી વેપન સિસ્ટમ પર કામ થઈ રહ્યું છે.
જેરુસલેમમાં આતંકવાદી હુમલામાં સાત જણનાં મૃત્યુ
ADVERTISEMENT
જેરુસલેમ (પી.ટી.આઇ.): ઇઝરાયલના જેરુસલેમના નેવે યાકોવ એરિયામાં યહૂદી ધર્મસ્થળે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા સાત જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ત્રણ જણને ઈજા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ જેરુસલેમમાં શુક્રવારે સાંજે ગોળીબાર થયો હતો. પોલીસે આ હુમલાખોરને શોધીને તેને ઠાર કર્યો છે. આ હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલી એક હૅન્ડગન જપ્ત કરવામાં આવી છે. જેરુસલેમમાં આ હુમલો ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી પછી થયો છે. વેસ્ટ બૅન્કમાં રેફ્યુજી કૅમ્પમાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીમાં ફિલિસ્તાનના નવ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ કરાયું
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ભવનના આઇકૉનિક મુઘલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ રાખવામાં આવ્યું છે, જેને ૩૧ જાન્યુઆરીથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ગઈ કાલે એક ઑફિશ્યલ સ્ટેટમેન્ટમાં આ વાત જણાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નવિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે આઝાદીનાં ૭૫ વર્ષની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણીના પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડન્સને ‘અમૃત ઉદ્યાન’ કૉમન નામ આપ્યું છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે દિલ્હીના પ્રખ્યાત રાજપથનું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ રાખ્યું હતું.