પાંચ જિલ્લામાં મળી આવી પોટાશની ખાણો, મે મહિનામાં હરાજી કરવાની સરકારની તૈયારી
તસવીર સૌજન્ય : મિડ-ડે
રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી પોટૅશિયમની ખાણ મળી આવતાં રાજ્યની કિસ્મત ચમકી ગઈ છે. આમ તો પોટાશનો મોટા ભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત એની આયાત કરે છે. જોકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે. રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચુરુ અને નાગૌરમાં પોટાશની ખાણો મળી આવી છે. આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે. ભારતમાં અત્યાર સુધી ક્યાંય પણ પોટાશની ખાણ મળી નહોતી; એથી આપણે કૅનેડા, રશિયા અને તુર્કમેનિસ્તાનથી પોટાશ આયાત કરાવતા હતા.
મળી આવેલી પાંચ ખાણમાં આશરે ૨૪૭૬.૫૮ મિલ્યન ટન પોટાશ છે. પોટાશ મુખ્યત્વે છોડના સ્વસ્થ વિકાસ અને પાકની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે; પરંતુ એનો ઉપયોગ કાચના ઉત્પાદન, સાબુ-ડિટર્જન્ટ ઉત્પાદન અને પાણી શુદ્ધીકરણમાં પણ થાય છે.

