આ શિપમાં જુદા-જુદા દેશોના લગભગ ૫૦ ક્રૂ મેમ્બર્સ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ટર્કીથી ઇન્ડિયા આવવા માટે રવાના થયેલી એક કાર્ગો શિપને લાલ સમુદ્રમાં યમનના હૂતી બળવાખોરો દ્વારા હાઇજૅક કરવામાં આવી છે. આ શિપમાં જુદા-જુદા દેશોના લગભગ ૫૦ ક્રૂ મેમ્બર્સ છે. ‘ગૅલૅક્સી લીડર’ નામની આ કાર્ગો શિપમાં કોઈ ભારતીય હતા કે નહીં એ હજી સુધી જાણી શકાયું નથી.
આ ઘટનાને કન્ફર્મ કરતા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે એક્સ પ્લૅટફૉર્મ (પહેલાંનું નામ ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે ‘દક્ષિણ લાલ સમુદ્રમાં યમન પાસે હૂતી બળવાખોરો દ્વારા કાર્ગો શિપને હાઇજૅક કરવાની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. ટર્કીથી રવાના થયેલી આ શિપ ભારત જઈ રહી હતી, જેમાં જુદા-જુદા દેશોના નાગરિકો હતા. એ ઇઝરાયલની શિપ નહોતી.’
ADVERTISEMENT
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઑફિસમાંથી એક પોસ્ટમાં જણાવાયું હતું કે ‘ઇઝરાયલ ઇન્ટરનૅશનલ શિપ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાને સખત શભ્દોમાં વખોડે છે. આ શિપ બ્રિટિશ કંપનીની માલિકીની છે અને એને એક જૅપનીઝ કંપની દ્વારા ઑપરેટ કરવામાં આવી રહી છે, જેને યમનના હૂતી ઉગ્રવાદી ગ્રુપ દ્વારા ઈરાનના ગાઇડન્સમાં હાઇજૅક કરવામાં આવી છે.’
આ કાર્ગોશિપ એક બ્રિટિશ કંપનીના નામે રજિસ્ટર છે, પરંતુ એમાં ઇઝરાયલના ટાયકૂન અબ્રાહમ ઉનગરનો થોડોક હિસ્સો છે. ઈરાનનો સપોર્ટ મેળવનારા હૂતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં ઇઝરાયલની સાથે સંકળાયેલાં જહાજોને ટાર્ગેટ કરવાનો સંકલ્પ કર્યો છે.