લોકસભાની ચૂંટણીમાં બંધારણના નામે સરકારને પીછેહઠ કરાવનાર વિપક્ષોએ શરૂ કર્યો નવો અટૅક : દેશ રાજાના દંડાથી ચાલશે કે પછી બંધારણથી એવો સવાલ કરીને સમાજવાદી પાર્ટીના નેતાએ સેન્ગોલ હટાવવાની કરી ડિમાન્ડ
નવા સંસદભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે સેન્ગોલ સ્થાપિત કરવામાં આવ્યો હતો
નવા સંસદભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે સેન્ગોલ સ્થાપિત કરવામાં આવ્યો હતો એને ત્યાંથી દૂર કરવાની માગ કરીને વિરોધ પક્ષે નવો વિવાદ છેડ્યો છે.
ગઈ કાલે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સંસદસભ્ય આર. કે. ચૌધરીએ કહ્યું હતું કે ‘આપણા માટે બંધારણ સૌથી મહત્ત્વનું છે, કારણ કે એ લોકતંત્રનું પ્રતીક છે. ગયા કાર્યકાળમાં વડા પ્રધાને સંસદમાં સેન્ગોલ સ્થાપિત કર્યો હતો. સેન્ગોલનો અર્થ રાજદંડ એટલે કે રાજાનો દંડો થાય છે. આવાં રાજા-રજવાડાંઓના શાસનને ખતમ કરીને દેશ આઝાદ થયો છે. હું પૂછવા માગું છું કે દેશ રાજાના દંડાથી ચાલશે કે પછી બંધારણથી? બંધારણને બચાવવા માટે સંસદમાંથી સેન્ગોલ હટાવીને એની જગ્યાએ બંધારણની પ્રત મૂકવી જોઈએ.’
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં જે માર પડ્યો છે એમાં વિરોધ પક્ષોએ ચલાવેલા અભિયાનનો બહુ મોટો હાથ હતો. પ્રચાર દરમ્યાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવી સરકારમાં મોટા બદલાવ માટે તૈયાર રહેજો. બીજી બાજુ BJPના જ અમુક નેતાઓએ જાહેરમાં કહ્યું હતું કે મોદી સરકારને ૪૦૦ બેઠક મળશે તો બંધારણમાં અમુક ફેરફાર કરીને મહત્ત્વના નિર્ણય લઈ શકાશે. વિરોધ પક્ષોએ આ બે સ્ટેટમેન્ટનો સહારો લઈને એવું નરેટિવ સેટ કર્યું કે મોદી સરકાર બંધારણ બદલીને દલિતો પાસેથી અનામત પાછું લઈ લેશે. વિપક્ષના આ નરેટિવને સાચું માનીને દલિત મતદારોએ સરકારની ખિલાફ મતદાન કર્યું હોવાનું કહેવાય છે અને આ રીતે બંધારણનો મુદ્દો વિપક્ષોને હાથ લાગી ગયો હોવાથી હવે તેઓ આ મુદ્દે BJPને વધુને વધુ ઘેરવા માગે છે. સેન્ગોલની જગ્યાએ બંધારણની પ્રત મૂકવાની પ્રપોઝલ પાછળ પણ આ જ કારણ હોવાનું રાજનીતિના જાણકારોનું કહેવું છે.
ગઈ કાલે સમાજવાદી પાર્ટીએ કરેલી માગણીને એક પછી એક તમામ વિરોધ પક્ષોએ સપોર્ટ કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે ‘સેન્ગોલ જ્યારે સંસદમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો ત્યારે વડા પ્રધાને એને નમન કર્યું હતું, પણ શપથ લેતી વખતે તેઓ એ ભૂલી ગયા હતા એટલે મને લાગે છે કે મારી પાર્ટીના સંસદસભ્યે આવી માગણી કરી હશે. વડા પ્રધાને સેન્ગોલને નમન ન કર્યું એ જ બતાવે છે કે કદાચ તેમના માઇન્ડમાં પણ કંઈ બીજું ચાલી રહ્યું છે.’