ખરીફ પાકની એમએસપીમાં ક્વિન્ટલદીઠ ૧૪૩ રૂપિયાનો વધારો, ડાંગર, તુવેર, મગ, મકાઈ અને અડદના સારા ભાવ ખેડૂતોને મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : કેન્દ્ર સરકારે ખેડૂતોને ખુશ કરતાં આ વર્ષે તમામ ખરીફ પાકમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી)માં ૧૪૩ રૂપિયાનો વધારો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કૅબિનેટ સમિતિ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મીટિંગ બાદ પત્રકારોને માહિતી આપતાં ફૂડ મિનિસ્ટર પીયૂષ ગોયલે કહ્યું હતું કે સમિતિમાં ભલામણોના આધારે એમએસપી નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સામાન્ય ડાંગરના ભાવમાં ક્વિન્ટલદીઠ સાત ટકા (૧૪૩ રૂપિયા)નો વધારો કરીને ૨,૧૮૩ રૂપિયા નક્કી કરાયા છે જે ગયા વર્ષે ૨,૦૪૦ રૂપિયા હતો. એ ગ્રેડ ડાંગરનો ભાવ ૨,૦૬૦થી વધારીને ૨,૨૦૩ રૂપિયા કરાયો છે. જુવાર (હાઇબ્રિડ) અને જુવાર (માલદંડી)નો ભાવ ૭ ટકા વધારીને ક્વિન્ટલદીઠ અનુક્રમે ૩,૧૮૦ અને ૩,૨૨૫ રૂપિયા કરાયો છે. મકાઈના ભાવમાં ૬.૫ ટકાનો વધારો કરીને ૨,૦૯૦ રૂપિયા ક્વિન્ટલ કરાયો છે. કઠોળની વાત કરીએ તો મગના ભાવમાં ૧૦.૩૫ ટકાનો વધારો કરતા ક્વિન્ટલદીઠ ૮,૫૫૮ રૂપિયા, અડદમાં ૪.૩ ટકાનો વધારો કરીને ૬,૯૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે.
બીએસએનએલના અચ્છે દિન
કૅબિનેટે બીએસએનએલના રિવાઇવલના ત્રીજા ૮૯,૦૪૭ કરોડ રૂપિયાના પૅકેજને મંજૂરી આપી હતી જેમાં ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા 4G અને 5G સ્પેક્ટ્રમની ફાળવણીનો સમાવેશ થાય છે. સ્પેક્ટ્રમની ફાળવણીને કારણે બીએસએનએલ સમગ્ર દેશમાં 4G અને 5G સેવાઓ આપી શકશે, જેનો મહત્તમ લાભ ગ્રામીણ વિસ્તારોને મળશે.
કોલસા સંશોધનને મંજૂરી
કૅબિનેટે કોલસા અને લિગ્નાઇટના સંશોધન માટેની યોજનાને ૨,૯૮૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કોલસા અને લિગ્નાઇટ માટે સંશોધન બે વ્યાપક તબક્કામાં હાથ ધરાશે. પ્રમોશનલ (પ્રાદેશિક) સંશોધન અને કોલ ઇન્ડિયા લિમિટેડ સિવાયના બ્લૉકમાં સંશોધન કરવામાં આવશે.