લોકસભામાં અરુણ ગોવિલે OTT પર વધતી અશ્લીલતાનો કર્યો વિરોધ
અરુણ ગોવિલે
રામાનંદ સાગરની ધારાવાહિક ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ થયેલા અરુણ ગોવિલે સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે ગઈ કાલે OTT (ઓવર ધ ટૉપ) પ્લૅટફૉર્મ પર પીરસવામાં આવતી અશ્લીલ સામગ્રીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ચૂંટાઈને તેઓ પહેલી વાર લોકસભામાં પહોંચ્યા છે અને તેમણે પહેલો સવાલ OTT પ્લૅટફૉર્મના મુદ્દે ઉઠાવ્યો હતો.
આ મુદ્દે બોલતાં અરુણ ગોવિલે કહ્યું હતું કે ‘OTT પ્લૅટફૉર્મ પર જે દર્શાવવામાં આવી રહ્યું છે એ વધારે પડતું અશ્લીલ છે અને એને પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવું નથી. એ ભારતીય સંસ્કારોને ગંભીર હાનિ પહોંચાડે છે. હું માહિતી અને પ્રસારણ મંત્રાલયને પૂછવા માગું છું કે સોશ્યલ મીડિયાના માધ્યમથી અશ્લીલ અને સેક્સ સંબંધી સામગ્રીને ગેરકાયદે પ્રસારિત થતી રોકવા માટે કેવું તંત્ર છે. એના પર સખત કડક કાયદા બનાવવામાં આવે. જે પણ કન્ટેન્ટ પ્રોવાઇડર છે એને નિયમોની હેઠળ આવરી લેવામાં આવે.’