છેલ્લા દોઢ મહિનામાં ટ્રેનોને પાટા પરથી ઉતારી પાડવાની ૧૮ કોશિશ કરવામાં આવી નાકામ
કાનપુરમાં ટ્રૅક પર મૂકવામાં આવેલું સિલિન્ડર.
ગઈ કાલે સવારે મધ્ય પ્રદેશમાં આર્મીના જવાનોને લઈ જતી સ્પેશ્યલ ટ્રેનના રેલવે-ટ્રૅક પરથી મળી આવ્યાં ડેટોનેટર્સ, બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં એક જ મહિનામાં પાટા પરથી બીજી વાર મળી આવ્યું ગૅસ-સિલિન્ડર
રેલવે-ટ્રૅક પર ગૅસ-સિલિન્ડર, મોટા પથ્થર, લોખંડના સળિયા મૂકીને એને પાટા પરથી ઉતારી પાડવાની ઘટનાનો સિલસિલો બંધ થઈ રહ્યો નથી અને હવે દેશના દુશ્મનોએ મધ્ય પ્રદેશમાં આર્મી-જવાનોને લઈ જતી સ્પેશ્યલ ટ્રેનને નિશાન બનાવીને રેલવે-ટ્રૅક પર ડેટોનેટર્સ ગોઠવી દીધાં હતાં. જોકે લોકો પાઇલટની કુનેહને કારણે કોઈ અકસ્માત થયો નથી. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં રેલવે-ટ્રૅક પરથી એક જ મહિનામાં બીજી વાર ગૅસ-સિલિન્ડર મળી આવ્યું હતું.
ADVERTISEMENT
આર્મીના જવાનોને જમ્મુ અને કાશ્મીરથી લઈને કર્ણાટક તરફ જઈ રહેલી ટ્રેન જ્યારે ગઈ કાલે સવારે મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના સાગફાટા રેલવે-સ્ટેશન પાસેથી પસાર થઈ ત્યારે રેલવે-ટ્રૅક પર રાખેલા એક ડેટોનેટરમાં વિસ્ફોટ થયો હતો એટલે સાવચેત લોકો પાઇલટે ગાડી થોભાવી દીધી હતી. તપાસ કરતાં ત્યાંથી દસ ડેટોનેટર્સ મળી આવ્યાં હતાં. આ વિસ્ફોટકો દ્વારા આર્મીના જવાનોની ટ્રેનને ઉડાવવાની યોજના હતી. આ કેસની તપાસ માટે ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), રેલવે અને સ્થાનિક પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.
બીજી તરફ ગઈ કાલે સવારે કાનપુર નજીક પ્રેમપુર રેલવે-સ્ટેશન પાસે જોરહાટ તરફ જઈ રહેલી માલગાડીના લોકો પાઇલટો દેવ આનંદ ગુપ્તા અને સી. બી. સિંહે રેલવે-ટ્રૅક પર એક ગૅસ-સિલિન્ડર જોયું હતું અને તેણે ઇમર્જન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી. આ સિલિન્ડર પાંચ કિલોનું હતું અને ખાલી હતું. આ કેસની તપાસનો આદેશ અપાયો છે. નવાઈની વાત એ છે કે આ સિલિન્ડર રેલવે સિગ્નલથી ૩૦ મીટર પહેલાં મૂકવામાં આવ્યું હતું અને મૂકનારનો ઉદ્દેશ એ હતો કે ડ્રાઇવરને બ્રેક લગાવવાનો પણ મોકો મળે નહીં અને એ એન્જિન સાથે ટકરાઈ જાય.
૮ સપ્ટેમ્બરે પણ ભિવાની તરફ જઈ રહેલી કાલિન્દી એક્સપ્રેસના ટ્રૅક પર ગૅસ-સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું જેની ટક્કર થઈ હતી. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.