મહિલાઓની ઉંમરમાં ૩.૧ વર્ષ અને પુરુષોમાં ૨.૧ વર્ષનો ઘટાડો થયો હતો.
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૦માં આવેલા કોવિડ-19ના રોગચાળામાં ભારતીયોની ઉંમરમાં સરેરાશ ૨.૬ વર્ષનો ઘટાડો થયો હતો એવો ઍકૅડેમિક જર્નલ સાયન્સ ઍડ્વાન્સિસનો રિપોર્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ફગાવી દીધો છે. મંત્રાલયે આ રિપોર્ટને અસંગત અને અસ્વીકાર્ય ગણાવ્યો છે.
સાયન્સ ઍડ્વાન્સિસ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યા મુજબ કોરોનાને કારણે ભારતીયોના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, તેમણે આયુષ્યનાં ૨.૬ વર્ષ ગુમાવ્યાં છે. સામાજિક રીતે વંચિત જૂથો જેમ કે મુસ્લિમો અને અનુસૂચિત જનજાતિઓને સૌથી વધુ નુકસાન થયું હતું. મહિલાઓની ઉંમરમાં ૩.૧ વર્ષ અને પુરુષોમાં ૨.૧ વર્ષનો ઘટાડો થયો હતો.
ADVERTISEMENT
આ મુદ્દે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ‘આ અહેવાલ તૈયાર કરતી વખતે અનેક ભૂલ કરવામાં આવી હતી. તેમણે ખોટા ડેટાના આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે. માત્ર ૧૪ રાજ્ય અને ૨૩ ટકા પરિવારનું વિશ્લેષણ કરીને કેવી રીતે આ અનુમાન લગાવી શકાય? વળી એ ડેટા કોવિડ-19 મહામારી એની ચરમસીમાએ હતી એના આધારે તૈયાર થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુવાનો અને મહિલાઓમાં મૃત્યુદર સૌથી વધારે હતો, પણ સરકારી આંકડા જણાવે છે કે કોવિડ-19ને કારણે મોટી ઉંમરના પુરુષોએ વધારે પ્રમાણમાં જીવ ગુમાવ્યા હતા. આમ આ રિપોર્ટ અસંગત અને અસ્પષ્ટ છે. ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં વધારે ૪,૭૪,૦૦૦ મૃત્યુ દર્શાવવામાં આવ્યાં છે. આવો ટ્રેન્ડ એના આગળનાં વર્ષોમાં પણ દેખાય છે એથી વધારે મૃત્યુ કોવિડ-19ને કારણે થયાં છે એમ ન કહી શકાય.’