NDAની સરકાર હોવા છતાં સાથી પક્ષોના દબાણ હેઠળ આવીને મહત્ત્વનાં ખાતાંઓ તેમના માટે છોડી દેવાને બદલે તમામ ઇમ્પોર્ટન્ટ મિનિસ્ટ્રી પોતાની પાર્ટી પાસે જ રાખી
ગઈ કાલે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસના અધિકારીઓને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
ગઈ કાલે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની સરકારના પ્રધાનમંડળનાં ખાતાંની વહેંચણી કરવામાં આવી હતી અને એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છાપ સ્પષ્ટ દેખાતી હતી. બધાને એવું લાગતું હતું કે આ યુતિ સરકારમાં જનતા દળ-યુનાઇટેડ (JD-U) અને તેલગુ દેસમ પાર્ટી (TDP) સહિતના સાથી પક્ષોના દબાણને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમુક મહત્ત્વનાં ખાતાંઓ છોડી દેવા પડશે, પણ એવું ન થયું. તમામ મહત્ત્વની મિનિસ્ટ્રીઓ નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટી પાસે જ રાખી છે.
૩૦ કૅબિનેટ પ્રધાનોમાં જે પાંચ સાથી પક્ષોના પ્રધાન છે એમાં જનતા દળ-સેક્યુલર (JD-S)ના એચ. ડી. કુમારસ્વામીને હેવી ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ સ્ટીલ મિનિસ્ટ્રી, હિન્દુસ્તાની આવામ મોરચાના જિતન રામ માંઝીને માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ખાતું, JD-Uના રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહને પંચાયતી રાજ અને મછલી, પશુપાલન અને ડેરી ખાતું, TDPના કે. રામમોહન નાયડુને સિવિલ એવિયેશન ખાતું અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતું આપવામાં આવ્યું છે. આ સિવાય તમામ ખાતાં BJPએ પોતાની પાસે રાખ્યાં છે.
ADVERTISEMENT
આ જોતાં અત્યારે તો એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ભલે સાથી પક્ષોને લઈને સરકાર રચી હોય, પણ તેઓ પોતાના વિઝન સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમાધાન કરવાના મૂડમાં નથી. ખાતાંની વહેંચણીને જોયા બાદ સ્ટૉક માર્કેટ સાથે જોડાયેલા લોકોને પણ હાશકારો થયો હશે, કારણ કે માર્કેટને ચિંતા હતી કે જો સાથી પક્ષોના દબાણ હેઠળ BJP મહત્ત્વનાં ખાતાંઓ છોડી દેશે તો વિકાસની યાત્રા અટકી જશે અને એની સીધી અસર ઇકૉનોમી પર જોવા મળશે.
ગઈ કાલે જાહેર થયેલાં ખાતાંઓમાં ટોચના તમામ પ્રધાનોના પોર્ટફોલિયો એ જ રાખવામાં આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે પોર્ટફોલિયોની વહેંચણીમાં અશ્વિની વૈષ્ણવ અને કિરેન રિજિજુને પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે પહેલી વાર કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે ફરજ બજાવનાર મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરને મહત્ત્વનાં ખાતાં આપવામાં આવ્યાં છે, જેમાં શિવરાજસિંહ ચૌહાણને ઍગ્રિકલ્ચર ઍન્ડ ફાર્મર્સ વેલ્ફેર અને રૂરલ ડેવલપમેન્ટ ખાતું તથા મનોહરલાલ ખટ્ટરને હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સ તેમ જ પાવર મિનિસ્ટ્રી આપવામાં આવી છે.
અશ્વિની વૈષ્ણવને આ વખતે રેલવે અને ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટ્રીની સાથે ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીનું કામ પણ સોંપવામાં આવ્યું છે, જ્યારે કિરેન રિજિજુને માઇનૉરિટી અફેર્સની સાથે પાર્લમેન્ટરી અફેર્સ મિનિસ્ટ્રી પણ આપવામાં આવી છે. આ વખતે મજબૂત વિરોધ પક્ષ હોવાથી પાર્લમેન્ટરી અફેર્સ મિનિસ્ટ્રી બહુ જ મહત્ત્વની બની રહેવાની છે.
BJPના સાથી પક્ષોને મળેલાં ખાતાંઓ
કૅબિનેટ
જનતા દળ-સેક્યુલર (JD-S)ના એચ. ડી. કુમારસ્વામીને હેવી ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ સ્ટીલ મિનિસ્ટ્રી
હિન્દુસ્તાની આવામ મોરચાના જિતન રામ માંઝીને માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ખાતું
JD-Uના રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહને પંચાયતી રાજ અને મછલી, પશુપાલન અને ડેરી ખાતું
TDPના કે. રામમોહન નાયડુને સિવિલ એવિયેશન ખાતું
લોક જનશક્તિ પાર્ટી (LJP)ના ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતું
સ્વતંત્ર પ્રભાર સાથેના રાજ્યકક્ષાના પ્રધાન
શિવસેનાના પ્રતાપરાવ જાધવને મિનિસ્ટ્રી ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર અને આયુષ મિનિસ્ટ્રી
રાષ્ટ્રીય લોક દળના જયંત ચૌધરીને સ્કીલ ડેવલપમેન્ટ ઍન્ડ ઑન્ટ્રપ્રનરશિપ અને એજ્યુકેશન ખાતું
રાજ્યકક્ષાના પ્રધાનો
રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના રામદાસ આઠવલેને સોશ્યલ જસ્ટિસ ઍન્ડ એમ્પાવરમેન્ટ ખાતું
અપના દલનાં અનુપ્રિયા પટેલને હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર અને કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ ખાતું
JD-Uના રામ નાથ ઠાકુરને ઍગ્રિકલ્ચર ઍન્ડ ફાર્મર્સ વેલ્ફેર ખાતું
TDPના ચંદ્રશેખર પેમ્માસનીને રૂરલ ડેવલપમેન્ટ અને કમ્યુનિકેશન્સ મિનિસ્ટ્રી