રાજૌરીમાં ૧૪ કલાકમાં એક જ વિસ્તારમાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં છ નાગરિકોનાં મૃત્યુ
રાજૌરીમાં રવિવારે સાંજે ૪ નાગરિકોના પાર્થિવ શરીર પાસે વિલાપ કરી રહેલા તેમના પરિવારજનો
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ૧૪ કલાકમાં એક જ વિસ્તારમાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં છ નાગરિકોનાં મૃત્યુથી તનાવજનક સ્થિતિ છે. રાજૌરીમાં હિન્દુ પરિવારો પર આતંકવાદી હુમલા બાદ અહીં ભારે આક્રોશ વ્યક્ત થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓની ટાર્ગેટેડ હત્યાઓને લીધે કાશ્મીરી પંડિતો સહિત હિન્દુઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ડાંગરી ગામમાં ગઈ કાલે એક બ્લાસ્ટમાં ૭ વર્ષની સાનવી શર્મા અને ૪ વર્ષના વિહાન કુમાર શર્મા મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે ૭ જણને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોમાં ૩ બાળકોનો પણ સમાવેશ થાય છે. રવિવારે સાંજે આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના એક એરિયામાં ત્રણ ઘરો પર ફાયરિંગ કરતાં ચાર નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે છ જણને ઈજા થઈ હતી.
માત્ર ૧૪ કલાકમાં જ આ ઘટનાઓ બનતાં રાજૌરી ટાઉન સહિત અનેક જગ્યાએ વિરોધ-પ્રદર્શન થયાં હતાં.
ADVERTISEMENT
રાજૌરી જિલ્લાના ડાંગરી ગામમાં જે ઘરમાં આઇઈડી બ્લાસ્ટ થયો હતો એની પાસે ગઈ કાલે ઊભા રહેલા આર્મીના જવાનો
પ્રીતમ લાલ નામની એક વ્યક્તિના ઘરની પાસે આ બ્લાસ્ટ થયો હતો. સવારે સાડાનવ વાગ્યે બ્લાસ્ટ થયો હતો ત્યારે લાલના રિલેટિવ્સ સહિત અનેક લોકો ઘરમાં હતા.
જમ્મુ પોલીસના ઍડિશનલ ડિરેક્ટર જનરલ મુકેશ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે ‘એક બૅગની નીચે આઇઈડી (ઇમ્પ્રૂવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. એક બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૭ જણને ઈજા થઈ છે.’
આર્મી અને પોલીસ હુમલા કરનારા આતંકવાદીઓનું વ્યાપકપણે સર્ચ ઑપરેશન કરી રહી છે. સ્થાનિક લોકો અનુસાર આ હુમલામાં બે આતંકવાદીની સંડોવણી હતી.