Hyderabad Cyber Crime: હૈદ્રાબાદના ૬૩ વર્ષીય વ્યક્તિ નકલી સ્ટોક માર્કેટ સ્કીમનો ભોગ બન્યા, વૉટ્સએપના માધ્યમથી ગુમાવ્યા ૫૦ લાખ રુપિયા
પ્રતીકાત્મક તસવીર
ભારત (India)માં ઓનલાઈન છેતરપિંડી (Online Scam)ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તાજેતરના મહિનાઓમાં હજારો લોકો આ સાયબર ગુનેગારો (Cyber Crime)ની જાળમાં ફસાઈ ગયા છે. આમાં મોટા ભાગના વૃદ્ધ લોકો ફસાયા છે જેઓ ડિજિટલ ક્ષેત્રમાં બહુ નિપુણ નથી. આવો જ એક કિસ્સો હૈદરાબાદ (Hyderabad)ના એક ૬૩ વર્ષીય વ્યક્તિનો છે, જેઓ નકલી સ્ટોક માર્કેટ સ્કીમમાં ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી (Hyderabad Cyber Crime)નો શિકાર બન્યા છે.
આ છેતરપિંડી ‘સ્ટોક ડિસ્કશન ગ્રુપ’ નામના વોટ્સએપ ગ્રુપથી શરૂ થઈ હતી. ગ્રૂપના એડમિનિસ્ટ્રેટર, કુણાલ સિંઘે પોતાને એક પ્રતિષ્ઠિત નાણાકીય સલાહકાર તરીકે રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે તેમની સલાહથી અગાઉના ગ્રાહકોને નફો થયો હતો. તેમણે કહ્યું કે, તેમના ‘2022 સ્ટોક ક્લાસીસ’ ચોક્કસ સ્ટોક્સ પર ૫૦૦ ટકા સુધીનું વળતર દર્શાવવામાં આવ્યું છે. આ વચનોથી પ્રભાવિત થઈને, પીડિત સિનિયર સિટિઝને વોટ્સએપ ગ્રુપમાં તેમના દ્વારા સૂચવેલા ઓનલાઈન સત્રોમાં જોડાવાનું નક્કી કર્યું.
ADVERTISEMENT
‘સ્ટોક ડિસ્કશન ગ્રુપ’માં આવેલી લિંક્સ દ્વારા ખાનગી ઓનલાઈન સત્રો હાથ ધરવામાં આવ્યા હતા, જ્યાં સ્કેમર્સે સ્કેમર્સે ‘સ્કાયરીમ કેપિટલ’ નામના પ્લેટફોર્મ પર રોકાણ કરવાની ભલામણ કરી હતી, જે તેઓએ કાયદેસર નાણાકીય સેવાઓ પ્રદાતા હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં હૈદ્રાબાદના સિનિયર સિટીઝને નાની રકમનું રોકાણ કર્યું હતું અને તેમને નફો બતાવવામાં આવ્યો હતો, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો, પરંતુ ધીરે ધીરે સ્કેમરે તેમને મોટી રકમનું રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને અંતે પીડિતાએ ૫૦ લાખ રુપિયા સુધીનું રોકાણ કર્યું હતું. જ્યારે પીડિત સિનિયર સિટિઝને તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓને સમજાયું કે આ એક છેતરપિંડી છે, કારણ કે સ્કેમર્સે પૈસા ઉપાડવાનું અવરોધિત કર્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આવા કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને મેસેજિંગ પ્લેટફોર્મ પર જ્યાં સાયબર ગુનેગારો સરળતાથી મોટી સંખ્યામાં લોકોને નિશાન બનાવી શકે છે. પોલીસે આવી કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન નાણાકીય પ્રવૃત્તિની જાણ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (૧૯૩૦) અથવા પોર્ટલ cybercrime.gov.in પર કરવાની સલાહ આપી છે.
નોંધનીય છે કે, આ પ્રકારના ઓનલાઈન છેતરપિંડીના સ્કેમને ટાળવા માટે તકેદારી જરૂરી છે, ખાસ કરીને વૃદ્ધો માટે કે જેઓ ડિજિટલ ધમકીઓ વિશે વધુ જાણતા નથી. એટલે જે, તમારા કુટુંબના વૃદ્ધ સભ્યોને સલાહ આપો કે તેઓ સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ પ્લેટફોર્મ પર કોઈપણ રોકાણ અથવા નાણાકીય સલાહ ગ્રુપ્સમાં જોડાશો નહીં સિવાય કે ગ્રુપ્સ પ્રમાણિત સ્ત્રોતમાંથી હોય. નોંધ કરો કે કાયદેસર નાણાકીય સલાહકારો અને સંસ્થાઓ સામાન્ય રીતે ફક્ત WhatsApp જેવા પ્લેટફોર્મ પર કામ કરતી નથી. એટલે ઓનલાઈન સ્કેમનો ભોગ ન બનો તેની તકેદારી રાખો.