ટોળાઓએ હુર્રિયત કૉન્ફરન્સના બોર્ડને ઉતારીને ફેંકી દીધું હતું
ગઈ કાલે શ્રીનગરમાં હુર્રિયત કૉન્ફરન્સનું બોર્ડ હટાવીને ઇન્ડિયા લખતા પ્રદર્શનકારીઓ
કાશ્મીરમાં તાજેતરમાં પંડિતોની થયેલી હત્યાથી નારાજ સામાજિક કાર્યકરોએ ગઈ કાલે શ્રીનગર શહેરમાં અલગાવવાદી હુર્રિયત કૉન્ફરન્સના કાર્યાલયમાં તોડફોડ કરી હતી. અલગાવવાદી હુર્રિયત કૉન્ફરન્સના રાજબાગ મોહલ્લાના કાર્યાલયની બહાર સામાજિક કાર્યકરોનું એક ટોળું ભેગું થયું હતું. ત્યાં હાજર રહેલા લોકોએ કહ્યું હતું કે હુર્રિયતના નેતાઓએ છેલ્લાં ૩૦ વર્ષથી લોકોને છેતરવાનું કામ કર્યું છે. તેઓ કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાઓ માટે જવાબદાર છે.
ટોળાઓએ હુર્રિયત કૉન્ફરન્સના બોર્ડને ઉતારીને ફેંકી દીધું હતું. વળી ગેટ પર ઇન્ડિયા એવું લખી નાખ્યું હતું. વિરોધ-પ્રદર્શન કરનારાઓમાં સામાજિક કાર્યકરો, સુધરાઈના નગરસેવકો અને કાશ્મીરી પંડિતોનો સમાવેશ થતો હતો. વિરોધ કરનારા પૈકી એકે કહ્યું હતું કે ટૂંક સમયમાં આ ઑફિસને બંધ કરી દેવામાં આવશે તેમ જ એમાં એક અનાથાશ્રમ ચલાવવામાં આવશે. કાશ્મીરના લોકો સમજી ગયા છે કે એમને શાંતિ જોઈએ છે, રક્તપાત નહીં.
ADVERTISEMENT
ગયા શનિવારે કાશ્મીરના શોપિયાંમાં જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં આતંકવાદીઓએ એક હિન્દુ કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી હતી. તેઓ પોતાની વાડી જોવા ગયા હતા. રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.