HMPV Virus In India: ભારતમાં કોરોના વાયરસ જેવા HMPV ના ૧૫ કેસ; ગુજરાતમાં સૌથી વધુ ચાર કેસ, મહારાષ્ટ્રમાં ત્રણ કેસ
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV Virus) કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે આસામ (Assam)માં આનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, દસ મહિનાના બાળકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આમ ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV Virus In India)નો વધુ એક કેસ નોંધાયો છે.
નોંધનીય, દેશમાં કોરોના વાયરસ (Coronavirus) જેવા માનવ મેટાપ્યુનોવાયરસ (HMPV)ના કુલ ૧૫ કેસ નોંધાયા છે. શનિવારે આસામમાં પહેલો કેસ નોંધાયો હતો. અહીં ૧૦ મહિનાનું બાળક પોઝિટિવ છે. બાળકની સારવાર દિબ્રુગઢ (Dibrugarh)ની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (Assam Medical College and Hospital - AMCH) ચાલી રહી છે. બાળકની હાલત સ્થિર છે. ડૉ. ધ્રુબજ્યોતિ ભુઇયાએ જણાવ્યું હતું કે, બાળકને ચાર દિવસ પહેલા શરદી અને ખાંસીના લક્ષણોને કારણે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (Indian Council of Medical Research) પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર (Regional Medical Research Center) એટલે કે ICMR-RMRC, લાહોવાલ તરફથી પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા પછી ગઈકાલે HMPV ચેપની પુષ્ટિ થઈ હતી. ભુઇયાએ જણાવ્યું હતું કે, ઈન્ફલ્યુએન્ઝા અને ફ્લૂના કેસોમાં પરીક્ષણ માટે નમૂનાઓ નિયમિતપણે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે, અને આ અહેવાલ તેમાં આવ્યો છે. ધ્રુબજ્યોતિ ભુઇયાએ વધુમાં જણાવ્યું હતું કે તે એક નિયમિત તપાસ હતી જે દરમિયાન HMPV ચેપ મળી આવ્યો હતો. બાળક હવે સ્થિર છે. આ એક સામાન્ય વાયરસ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
અત્યારે દેશમાં સૌથી વધુ HMPV કેસ ગુજરાત (Gujarat)માં છે, અહીં કુલ ચાર કેસ છે. જ્યારે મહારાષ્ટ્ર (Maharashtra)માં ત્રણ, કર્ણાટક (Karnataka) અને તમિલનાડુ (Tamil Nadu)માં બે-બે અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), રાજસ્થાન (Rajasthan), આસામ (Assam) અને બંગાળ (Bengal)માં એક-એક કેસ નોંધાયા છે. હવે HMPV કેસોમાં વધારાને કારણે રાજ્યોએ પણ તકેદારી વધારી છે. પંજાબ (Punjab)માં, વૃદ્ધો અને બાળકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તો ગુજરાતમાં હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. હરિયાણા (Haryana)માં પણ આરોગ્ય વિભાગને HMPV કેસ પર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, HMPVનો ચેપ લાગે ત્યારે દર્દીઓમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાંથી, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. કેન્દ્રએ રાજ્યોને `ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી` અને `ગંભીર તીવ્ર શ્વસન સમસ્યાઓ` જેવી શ્વસન બિમારીઓનું નિરીક્ષણ વધારવા અને HMPV વિશે જાગૃતિ ફેલાવવાની સલાહ આપી છે.